(એજન્સી)                તા.૩

ખુરશીદ (નામ બદલેલ છે) ઉત્તરપ્રદેશના મેરઠ શહેરમાં કબર ખોદવાનું કામ કરે છે તે દાવો કરે છે કે, છેલ્લા ચાર મહિનાથી તે પોતાના ઘરે જઈ શક્યો નથી, તે કહે છે કે, એક પછી એક મૃતદેહની દફનવિધી કરવા માટે કબ્રસ્તાનમાં સતત ઘસારો રહે છે અને આ કારણોસર જ મારી પાસે કબર ખોદાવવામાં આવે છે. કબ્રસ્તાનનું મેનેજમેન્ટ મને એટલા માટે જ ઘરે જવા દઈ રહ્યું નથી. હું છેલ્લાં ચાર મહિનાથી કબ્રસ્તાનમાં જ છું.

તે કહે છે કે, મીડિયાના અહેવાલો પર તો ભરોસો કરતા જ નહીં. ઉત્તરપ્રદેશમાં ગ્રાઉન્ડ લેવલે સ્થિતિ અત્યંત દયનીય થઈ ચૂકી છે. એમાંય પશ્ચિમ યુપીમાં તો સ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં ફક્ત પશ્ચિમ યુપી જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં કોરોનાનો ફેલાવો થઈ ચૂક્યો છે અને તેના ભરડામાં અનેક લોકો સમાઈ ગયા છે. કોરોના સામે લડવામાં સરકાર પણ નિષ્ફળ નીવડી રહી છે.

રવિવારે સવારે જ ટેકનિકલ એજ્યુકેશન મંત્રી કમલ રાની વરૂન પણ લખનૌની એસજીપીજીઆઈ હોસ્પિટલમાં મૃત્યુ પામી ગયા હતા તેના લીધે સમગ્ર રાજ્યમાં ચિંતાની લહેર જોવા મળી રહી હતી. તેમના પતિ આરએસએસમાં એક પ્રભાવશાળી નેતા છે અને ૧૮ જુલાઈના રોજ કમલ રાનીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એસજીપીજીઆઈ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર મંત્રીને કોરોના વાયરસનો ગંભીર ચેપ લાગી ગયો હતો. ત્યારે જ તેમને હોસ્પિટલે લવાયા હતા. ડૉક્ટરોએ તેમને બચાવવા માટે શક્ય તેટલા બેસ્ટ પ્રયાસો કર્યા છતાં તેમને બચાવી ના શકાયા. ફક્ત મંત્રી જ નહીં પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, નૌકરશાહોને પણ હવે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ સેલ્ફ ક્વોરન્ટાઈનમાં જતા રહેવા નિર્દેશ અપાયા હતા.