(એજન્સી) મેરઠ, તા.ર૯
યુપીના મેરઠ જિલ્લામાં પાછલા દિવસો દરમ્યાન લવ જેહાદનો આરોપ લગાવીને એક મુસ્લિમ વિદ્યાર્થીને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ તેના ઘરમાંથી ધસડીને માર માર્યો હતો. એટલું જ નહીં તેની સાથે અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીને મુસ્લિમ મિત્ર બનાવવા બદલ યુપી પોલીસે માર માર્યો હતો અને ઘણા સમય સુધી કસ્ટડીમાં રાખી હતી. હવે નર્સિંગના વિદ્યાર્થિની કાંવડ યાત્રા સમયનો એક ફોટો સામે આવ્યો છે જેમાં તે યાત્રીઓની સારવાર કરી રહ્યો છે.
કાંવડ યાત્રીઓની સેવા કરતો ફોટો આ સંપૂર્ણ મામલામાં એક જુદી જ વાત રજૂ કરે છે. જેનાથી અત્યારે વધુ પડતા લોકો અજાણ છે. નર્સિંગ કોલેજના અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ ના માત્ર કાંવડ યાત્રીઓની સેવા કરી ઉપરાંત કાંવડ શિબિર સ્થાપવા માટે નાણા પણ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નર્સિંગના વિદ્યાર્થીએ જન્માષ્ટમીના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેમના વિદ્યાર્થી હંમેશાથી જ ધાર્મિક કાર્યક્રમો અંગે ઘણા ઉત્સાહિત રહેતા હતા. યુપી સ્ટેટ નોડલ ઓફિસર (નર્સિંગ) ડો. દિનેશ રાણાએ જણાવ્યું કે પીડિત વિદ્યાર્થી પ૦ બાળકોના વર્ગમાં સૌથી વધુ શિસ્તબદ્ધ રીતે રહેતા બાળકોમાંથી એક હતો. આ શિવરાત્રી પર તે કાંવડ કેમ્પનો ભાગ હતો. આ કેમ્પમાં કાંવડ યાત્રીઓને ભોજન અને દવાઓ આપવામાં આવતી હતી.
તેમણે આ કાર્યક્રમના કેટલાક ફોટો પણ બતાવ્યા જેમાં પીડિત વિદ્યાર્થી કાંવડીઓને ભોજન અને દવાઓ આપતા દેખાઈ રહ્યો છે. રાણાએ જણાવ્યુંકે જ્યારે પણ કોલેજમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. તે હંમેશા નાણા આપે છે. કાંવડ કેમ્પ માટે પણ તેણે નાણાં આપ્યા હતા ત્યાં આ ઘટના પછી વીએચપીએ નિર્ણય લીધો છે કે લવ જેહાદ, ધર્માંતરણ અને ગૌહત્યા પર નજર રાખવા માટે ધર્મ યોદ્ધાની ભરતી કરશે. આ ધર્મ યોદ્ધા ધાર્મિક સ્થળોની પણ સુરક્ષા કરશે.
જણાવી દઈએ કે મુસ્લિમ વિદ્યાર્થીના ઘેર તેની હિન્દુ મિત્ર આવી હતી. આ દરમ્યાન વીએચપીના કાર્યકર્તા ત્યાં પહોંચ્યા અને તેમણે તેને ઘરમાંથી ધસડીને માર માર્યો હતો. આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. ૪પ સેકન્ડના આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે લોકો યુવકને મારી રહ્યા છે. ત્યાં મદદ માટે આવેલા પોલીસ કર્મીઓએ પણ યુવકને માર માર્યો હતો. નવો વીડિયો સામે આવ્યા પછી પોલીસે નામ સાથે ૧૮ અને રપ-૩૦ અજાણ્યા લોકોની વિરૂદ્ધ નવી એફઆઈઆર દાખલ કરી છે. યુવકને મારવાની જે વીડિયો સામે આવી છે તેમાં પોલીસકર્મી યુવકને પૂછી રહ્યા છે કે તે ભણવા આવ્યો ન હતો ? ત્યાં ભીડના લોકો કહી રહ્યા છે. આ લવ જેહાદ કરવા આવ્યો છે. તમારા જેવા લોકો જ્યાં મળશે તેમને શોધીને મારી નાખીશું. તમે ભાડાનું ઘર લઈને આ પ્રકારના કામ કરો છો. એક યુવક પીડિતના પેટમાં લાત મારતો દેખાઈ રહ્યો છે. પીડિતે પોતાની એફઆઈઆરમાં જણાવ્યું છે કે તે પોતાના ભાડાના ફલેટમાં પોતાની મિત્ર સાથે આવ્યો હતો. કેટલાક લોકોએ તેમને જોઈ લીધા અને મારવાનું શરૂ કરી દીધું. લોકો પોતાની સાથે લાકડીઓ પણ લઈને આવ્યા હતા.