(એજન્સી) મેરઠ, તા.૩૦
મેરઠમાં કોમી એકતા અને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડતા મુસ્લિમ પાડોશીઓએ શહેરના શાહપીર ગેટ વિસ્તારમાં ૬પ વર્ષીય રમેશ માથુરની અંતિમક્રિયા કરી હતી. કોરોના વાયરસના લોકડાઉનના કારણે માથુરના સગા અને તેમનો મોટો પુત્ર નહીં આવી શકતા મુસ્લિમ પાડોશીઓએ હિન્દુ ધાર્મિક વિધિ મુજબ તેમના અગ્નિસંસ્કાર કર્યા હતા.
લાંબી માંદગીના કારણે ૬પ વર્ષની વયે રમેશ માથુરનું ગઈકાલે મોત થયું હતું. રમેશ માથુર પોતાના નાના પુત્ર ચંદ્રમોલી માથુર સાથે શાહપીર ગેટ વિસ્તારમાં રહેતા હતા. રમેશ માથુર એક ધર્મશાળાના કેર ટેકર હતા. તેમનો મોટો પુત્ર કોમલ માથુર દિલ્હીમાં કામ કરે છે. લોકડાઉનના કારણે કોમલ દિલ્હીથી આવી શક્યો ન હતો. મૃત્યુ સમયે નાનો પુત્ર એકલો હતો. જેથી અંતિમવિધિ માટે મુસ્લિમ પાડોશીઓની મદદ લેવી પડી હતી. પાડોશી હિફાઝુરરહેમાને જણાવ્યું હતું કે રમેશ માથુર અમારા પાડોશી હતા. જેથી લોકડાઉનના આ સમયમાં અમે પાડોશી ધર્મ નિભાવતાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
રમેશ માથુરના નાના પુત્રએ જણાવ્યું હતું કે પવિત્ર રમઝાન માસમાં રોઝા હોવા છતાં મુસ્લિમ પાડોશીઓ મારા પિતાની અંતિમ વિધિ માટે દુઃખના આ સમયમાં અમારા સહભાગી થયા હતા.
મેરઠ : મુસ્લિમોએ હિન્દુ પાડોશીની અંતિમવિધિ કરી માનવતા અને કોમી એકતાનું દૃષ્ટાંત સ્થાપિત કર્યું

Recent Comments