(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૩
માંગરોળ નજીક આવેલ મેરાગામનો ૩૭ વર્ષીય પરિણીત યુવક નામે પુષ્પરાજસિંહ દોલતસિંહ સોલંકી તા.૯/ર/૧૮ના રોજ ગુમ થયા બાદ બીજે દિવસે તેની હત્યા કરાયેલી લાશ તડકેશ્વર જતા કાચા રસ્તેથી મળી હતી. જ્યારે મૃતક યુવકની મોટરસાયકલ ધરમપુર ગામની સીમમાંથી મળી આવી હતી.
આ બનાવ સંદર્ભે મરનારના કાકા જશવંતસિંહ ભીખાબાવા સોલંકીએ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાના આરોપીઓને ઝડપી પાડવા આઈ.જી. અને જિલ્લા પોલીસ વડાએ સુરત જિલ્લા એલ.સી.બી. અને માંગરોળ પોલીસને સૂચના આપી હતી. જેથી સંયુક્ત પોલીસ ટીમોએ તપાસ શરૂ કરી હતી. એલસીબી પીએસઆઈ પી.એન. ઝંઝુવાડિયા તથા ટેકનિકલ સેલના દિનેશભાઈ, મુકેશભાઈ એ શકમંદ સેલ નંબર મેળવી લોકેશનો કાઢતા લોકેશનો માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે બસ સ્ટેન્ડ પાસે મળતા હતા. જેથી પો.સ.ઈ. એ.બી.મોરીની ટીમે મળેલા લોકેશન મુજબ તે વિસ્તારને કાર્ડન કરી બે ઈસમો યાસીમ ઉર્ફે ઈકબાલ ઈબ્રાહીમ શેખ (ઉં.વ.ર૧) ઈરફાન હબીબ પઠાણ (ઉં.વ.ર૦) બંને રહેવાસી મોઘલાણી ફળિયું, નાનીનરોલીની અટક કરી આ બંને શખ્સોને એલસીબી કચેરી ખાતે લઈ જઈ સઘન પૂછપરછ કરતા આ શખ્સોએ ગુનાનો એકરાર કર્યો હતો. આ આરોપીઓએ પોલીસને જણાવ્યું કે મરનાર પુષ્પરાજસિંહ દોલતસિંહ સોલંકી સાથે અમારી ઘણા સમય પહેલાં મિત્રતા બંધાયેલ હોય તથા મરનાર પુષ્પરાજસિંહ પોતે તેની મરજીથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. અમને પૈસા પણ આપતો હતો. આરોપીઓએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતી વખતના વીડિયો ક્લિપ તથા ફોટાઓ મોબાઈલ ફોનમાં ઉતાર્યા હતા. મરનારને બ્લેકમેલ કરી પૈસાની માગણી આરોપીઓ કરતા હતા. આરોપીઓએ તા.૯/ર/૧૮ના રાત્રીના મરનાર પાસેથી પૈસા મંગાવેલા અને મરનાર પાસે વધુ પૈસાની માગણી કરતા હતા. આ પ્રશ્ને મરનાર સાથે આ આરોપીઓની બોલાચાલી પણ થઈ હતી. આરોપીઓએ પોતાની પાસે રાખેલ લોખંડના છરા વડે મરનારના ગળાના ભાગે તથા માથાના ભાગે ઘા મારી સ્થળ ઉપર મોતને ઘાટ ઉતારી, મરનાર પાસે ચાલીસ હજાર રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ કરી આરોપીઓ નાસી ગયા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી એક છરો, વીસ હજાર રૂપિયા રોકડા અને મરનારનો મોબાઈલ તથા આરોપીઓના મોબાલઈ કબજે કરી વધુ તપાસ માંગરોળના પો.સ.ઈ. એ.બી. મોરી કરી રહ્યા છે. માંગરોળ પોલીસ દ્વારા આ આરોપીઓને માંગરોળ, સિવિલકોર્ટમાં રજૂ કરી, રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે. ઉપરોક્ત માહિતી આપવા માટે સુરત જિલ્લા પોલીસના હેડક્વાર્ટર્સના DYSP હેતલબેન પટેલે પત્રકાર પરિષદ બોલાવી હતી.