ભરૂચ, તા.૧૪
ભરૂચ જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગમાં ફરજ બજાવતા મોહસીન વ્હોરા ૧૦ જુલાઈએ નારાયણ નગર -૪ માં કવોરન્ટાઈન્ટ વિસ્તારમાં કામગીરી કરવા ગયો હતો. ત્યાં કન્ટેઈન્મેન્ટમાં રહેતા ઈસમે અહીંયા પીવાના પાણીની તકલીફ છે કેમ કે અહીંયાના લોકો બહારથી ફિલ્ટર પાણી લાવીને પીવે છે. જેથી મોહસીને ત્યાંના સ્થાનિક સેનેટરી સુપરવાઈઝરને કોલ કરીને પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેથી વોર્ડ નંબર ૩ના સુપરવાઈઝરે સ્થળ પર પહોંચી પાણીની રજૂઆત ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર યુવરાજસિંહ સાયણિયાને કોલ કરવા જણાવ્યું હતું. જે બાદ મોહસીન વ્હોરા એ ભરૂચ નગરપાલિકાના ચીફ સેનેટરી ઈન્સ્પેકટર યુવરાજસિંહ સાયણિયાને ફોન કરી જાણ કરતા તેઓએ ઉશ્કેરાઈ જઈ ફોન ઉપર અભદ્ર તેમજ જાતિ વિષયક અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી કાપીને ફેંકી દેવા જેવી ધમકી આપતી ઓડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
વિપક્ષીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આવી કોમવાદી વૃત્તિ રાખનારા ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટરના કારણે અન્ય અધિકારીઓની છબી ખરડાઈ રહી છે. જેથી આવા ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર યુવરાજસિંહ સાયણિયાને તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવે અને જે પ્રકારે અપ શબ્દ અને સમાજની લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ જે કરાયો છે તે ગંભીર છે. આવનાર સમયમાં ચીફ ઓફિસર કોઈ કડક પગલા નહિ ભારે તો અમારે આ બાબતે કોર્ટના દ્વાર પણ ખખડાવા પડશે અને આ બાબતે વિપક્ષોએ સુરત પ્રાદેશિક કમિશ્નરને ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને ગંભીર ઓડિયો સાથે ફરિયાદ પહોંચાડી છે તેવું પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.