(એજન્સી) તા.૨૯
ભારતમાં પત્રકારત્વ ઊંધું ચત્તું થઇ રહ્યું છે. મોટાભાગના સમાચાર ટીવી ચેનલોમાં તોફાન ચાલી રહ્યું છે. પત્રકારત્વના ધોરણો, હકીકતોની ચકાસણી અને વિશ્લેષણ બધાની ઉપેક્ષા થઇ રહી છે. એન્કરો સમાચારને તરોડે મરોડે છે. સરકારને છૂટોદૌર આપે છે અને વિરોધ પક્ષોને નિશાન બનાવે છે. એટલે સુધી કે કાશ્મીરના કેન્દ્ર સરકારના ખાસ પ્રતિનિધિને કેન્દ્રીય ગૃહપ્રધાનને એવું કહેવાની ફરજ પડી હતી કે ટીવી ચેનલો કાશ્મીર પર કેવા રિપોર્ટ આપે છે તેમાં સતર્કતા દાખવવાની જરુર છે.
છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રિપબ્લિક ટીવીના એક પત્રકારને ચેન્નઇમાં મીડિયા ઇવેન્ટ છોડીને ચાલ્યા જવાનું કહેવાના પગલાના યોગ્ય કે અયોગ્ય પાસાઓ અંગે સોશિયલ મીડિયામાં જબરજસ્ત આક્રોશ પ્રવર્તી રહ્યો છે. કોઇપણ જાતના સંદર્ભ કે પૃષ્ઠભૂમિ વગર એવું કહેવું પડે કે મેવાણી હોય કે અન્ય કોઇ જાહેર હસ્તી હોય તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કોણ હોઇ શકે અનેે કોણ હોવું જોઇએ તેની પસંદગી કરવી જોઇએ નહીં પરંતુ અહીં સંદર્ભ અને પૃષ્ઠભૂમિ બંને છે.
રીપબ્લિક ટીવી મેવાણી પાછળ પડી ગયું હતું અને તેમના મંતવ્યો ખોટી રીતે રજૂ કરવામાં આવતા હતા. તેમના પગલાઓના ઠઠ્ઠા ચિત્રો દોરવામાં આવતા હતા અને જે ઘટનાઓ સાથે તેમને નિસ્બત ન હતી તે માટે તેમને દોષિત ઠરાવવામાં આવતા હતા. આ પત્રકારત્વ નથી પરંતુ કોઇની માનહાનિ કે બદનામ કરવાની પ્રવૃત્તિ છે.
મેવાણીના ઇવેન્ટ પર રિપોર્ટ કરવાના બદલે મેવાણીનો બહિષ્કાર કરવાના પત્રકારોનો નિર્ણય એક રીતે પત્રકારોની એકતા દર્શાવે છે. આ રીતે મેવાણીનો બહિષ્કાર કરવો એ ઘટના ભારતીય પત્રકારત્વ માટે ઇચ્છનીય નથી. પ્રિન્ટ, ઓનલાઇન કે બ્રોડકાસ્ટમાં ભારતમાં જર્નાલિઝમના ફિક્સીંગ પ્રત્યે ધ્યાન આપવું વધુ સારૂં છે. મેવાણી જેવા લોકો પ્રેસ સાથે કઇ રીતે વાતચીત કરવી તે પસંદગી મુજબ નક્કી કરે તેની પ્રતિક્રિયા આપવાના બદલે આ પ્રકારના ફિક્સીંગ જર્નાલિઝમ પર ધ્યાન આપવું જોઇએ પરંતુ અંદરખાને જે બદનામ કરવાની પ્રવૃત્તિ છે તેની સાથે કામ લેવંુ મુશ્કેલ છે.