જામનગર, તા.૨૨
કલ્યાણપુરના મેવાસા ગામમાં સ્થાનિક પોલીસ તથા ખાણ ખનિજ ખાતાને અંધારામાં રાખી રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલે દરોડો પાડી ખનિજ ચોરી પકડી પાડી છે. રૂા. અઢી કરોડના મુદ્દામાલ સાથે સાત શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં બેફામ ખનિજ ચોરી થતી હોવાની ઉઠેલી બુમ વચ્ચે રાજકોટ રેન્જના આઈજીની આરઆર સેલના સ્ટાફે પીએસઆઈ વી.બી. ચૌહાણના વડપણ હેઠળ વોચ ગોઠવી હતી. જેમાં મેવાસા ગામમાં ભોપામઢી ગામમાં આવેલી ડાડુભાઈ પીઠાભાઈ કંડોરીયા નામના વ્યક્તિની જમીનમાં દરોડો પાડ્યો હતો.
સ્થાનિક પોલીસ તથા ખાણ ખનિજ ખાતાને સંપૂર્ણ રીતે અંધારામાં રાખી આરઆર સેલએ પાડેલા દરોડામાં તે જમીનમાંથી ખોદી કાઢવામાં આવતું ખનિજ ઝડપાઈ ગયું હતું. ત્યાં બ્રેકર, ડમ્પર, હીટાચી મશીન, ત્રણ એસલેટર સહિતનો રૂા.અઢી કરોડનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરઆર સેલએ ડમ્પર ડ્રાયવર વાલા કુલજી પરમાર, ભાવેશ સુવા, રમેશ કરંગિયા, હમીર કાંબરીયા, મારખી બેલા, રતન મોરી, ધાધાભા કુરાણી નામના સાત શખ્સની અટકાયત કરી હતી. તમામ સાત શખ્સો સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.