નડિયાદ, તા. ૩૧
મહેમદાવાદ તાલુકાના જીભઈપુરામાં પુત્રવધુઓ સામે બદનજરથી જોનાર ઈસમને ઠપકી આપ્યાના બનાવનો ખૂનામરકી પર પહોંચ્યો હતો. જેમાં લોખંડની તરાશથી હુમલો કરી આધેડ પુરૂષને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. જ્યારે છોડાવવા વચ્ચે પડેલ ત્રણ જણાને ગંભીર ઈજા થઈ હતી
પોલીસ સૂત્રોમાંથી મળેલ વીગત મુજબ મહેમદાવાદ તાલુકાના જીભઈપુરા બળીયાદેવ મંદિર પાસે મગનભાઈ મંગલભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે. ગતરોજ બપોરે મધુબેન ચૌહાણ સાથે પરિવારજનો ઘરે હતા ત્યારે પ્રકાશ રામાભાઈ પઢિયાર રસ્તામાં આવતા જતા મધુબેનની બંને પુત્રવધુઓ સામે બદનજરથી જોતો હતો એટલું જ નહીં ગમે તેમ ગાળો બોલતો હતો જેથી મહેશભાઈએ ગાળો બોલ્યા વગર રસ્તા ઉપરથી સીધેસીધો ઘરે જતો રહે તેમ જણાવ્યું હતું. જેથી પ્રકાશ ગુસ્સામાં આવી ગયો હતો અને ઘરે જઈ પોતાના ભાઈ કિરણકુમાર ઉર્ફે અલ્વો પઢિયારની લોખંડની તરાશ કીસ લઈને મધુબેનના ઘર આગળ આવી ખાટલામા સૂતેલા મહેશભાઈને ઢસડી ચાર રસ્તા રોડ ઉપર લાવ્યો હતો જ્યાં પ્રકાશે માથામાં લોખંડની તરાશ મારી ઈજા કરી. જેથી મગન મંગલભાઈ ચૌહાણ પોતાના દીકરા મહેશને બચાવવા દોડી આવ્યા હતા ત્યારે પ્રકાશ પઢિયારે મગનભાઈને લોખંડની તરાશ માથામાં તેમજ શરીર ઉપર મારી જીવલેણ ઈજા પહોંચાડી હતી જેથી લોહીથી લથપથ હાલતમાં ફસડાઈ પડતા મગનભાઈ ચૌહાણ (ઉ.વ.પપ વર્ષ) હોસ્પિટલમાં લઈ જતાં પ્રાણપખેરૂ ઉડી ગયું હતું. આ ઘટનામાં બંને પુત્રવધુ ચંપાબેન તથા કૈલાસબેન છોડાવવા દોડી આવતા પ્રકાશ પઢિયારે ચંપાબેનને ખભાના ભાગે લોખંડની તરાશ મારી ઈજા કરી હતી. ઘટનામાં ગંભીર ઈજા પામેલ મહેશભાઈ, ચંપાબેન તથા કૈલાસબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ત્રણ પૈકી મહેશભાઈ ચૌહાણની હાલત ગંભીર હોઈ આઈસીયુમાં સારવાર હેઠળ છે.