(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
બે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હવે ૧૦૦ રૂ. લીટરથી માત્ર અઢી રૂ. દૂર થાય છે, તો મુંબઈ અને ઈન્દોરમાં પેટ્રોલનો ભાવ ૯૨ રૂ. ઉપર ચાલ્યો ગયો છે. આજે ડીઝલના ભાવમાં ૨૩થી ૨૭ પૈસા તો પેટ્રોલમાં ૨૨થી ૨૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૫.૪૫ રૂ. અને ડીઝલનો ભાવ ૭૫.૬૩ થઈ ગયો છે. આ જ રીતે મુંબઈમાં પેટ્રોલ ૯૨.૦૪ રૂ. અને ડીઝલ ૮૨.૪૦ રૂ. લીટર થયું છે. ચેન્નઈમાં પેટ્રોલના ૮૮.૦૭ રૂ. તો ડીઝલ ૮૦.૯૦ રૂ. થયું છે. કોલકતામાં પેટ્રોલનો ભાવ ૮૬.૮૭ રૂ. અને ડીઝલ ૭૯.૨૩ રૂ. થયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ તેના સૌથી ઉચ્ચત્તમ શિખરે પહોંચી ગયા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં નરમાશ જોવા મળી છે અને ક્રૂડ ૫૫ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. ભારતીય બાસ્કેટમાં જે ક્રૂડ આવે છે તે લગભગ ૨૦થી ૨૫ દિવસ જૂનુ હોય છે એટલે કે આજે જે ક્રૂડનો ભાવ છે તેની અસર ૨૦થી ૨૫ દિવસ બાદ જોવા મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઈઝ ડયુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડયા બાદ તેનો ભાવ ડબલ થઈ જાય છે. જો કેન્દ્રની એકસાઈઝ ડયુટી અને રાજ્ય સરકારોનો વેટ હટાવાઈ તો ડીઝલ અને પેટ્રોલનો ભાવ લગભગ ૨૭ રૂ. લીટર થઈ જાય.