બ્રિસ્ટલ, તા.ર૫
મોઈનઅલીની તોફાની સદીથી ઈંગ્લેન્ડે અહીયા ત્રીજી વન-ડેમાં વેસ્ટઈન્ડિઝને ૧ર૪ રને કચડી નાંખી પાંચ મેચોની સિરીઝમાં ર-૦ની લીડ મેળવી લીધી છે. મોઈને પ૩ બોલમાં બનાવેલી સદીની મદદથી ઈંગ્લેન્ડે નવ વિકેટે ૩૬૯ રન બનાવ્યા. મોઈને પોતાની બીજી અર્ધસદી ફક્ત ૧ર બોલમાં પુરી કરી. તેણે પોતાની ઈનિંગમાં આઠ સિકસર અને સાત ચોગ્ગા ફટકાર્યા. ઈગ્લેન્ડનો આ સ્કોર વેસ્ટઈન્ડિઝ વિરૂધ્ધ તેનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા તેણે ર૦૦૯માં બર્મિધમમાં ૩ર૮ રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં આ ઈગ્લેન્ડનો પાંચમો સૌથી મોટો સ્કોર છે. ક્રિસ ગેલ (૭૮ બોલમાં ૯૪ રન) જ્યાં સુધી ક્રિઝ ઉપર હતો ત્યાં સુધી ટીમની આશા યથાવત હતી પણ તેના રનઆઉટ થયા બાદ વેસ્ટઈન્ડિઝની ટીમ ૩૯.૧ ઓવરમાં ર૪પ રનમાં સમેટાઈ ગઈ. ગેલે પોતાની ઈનિંગમાં નવ ચોગ્ગા અને ૬ સિકસર ફટકારી. વેસ્ટઈન્ડિઝ તરફથી જેસન મોહમ્મદ (૩૮) અને કપ્તાન હોલ્ડર (૩૪) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલવામાં નિષ્ફળ ગયા.