(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૭
ભારત દ્વારા હાલમાં અમેરિકાથી આયાત થયેલ ડેવિડસન મોટરસાયકલ પર લગાવેલ ભારે ડ્યુટીની ઝાટકણી કરતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત સરકાર હવે પ૦ ટકા ડ્યુટી ખતમ કરવા જઈ રહી છે ત્યારે તેનાથી અમેરિકાને કોઈ ફાયદો નથી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા નિષ્પક્ષ અને વ્યાજબી સોદો ઈચ્છે છે. ભારતને લાગે છે કે તે આયાતશુલ્ક ઘટાડી અમેરિકા પર અહેસાન કરે છે, પરંતુ અમેરિકાને તેમાં કંઈ મળતું નથી. ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમને ફોન કરી મોટરસાયકલ પર આયાતશુલ્ક ઘટાડી પ૦ ટકા કરવાની ફોન પર વાત કરી હતી. પરંતુ તે ઠીક નથી. અમારા ઘણા સોદા છે. ટ્રમ્પ ગવર્નરો સાથે વ્હાઈટ હાઉસમાં બેઠક દરમિયાન બોલી રહ્યા હતા. ટ્રમ્પે નારાજગી જાહેર કરતા કહ્યું કે ભારતીય કંપનીઓ અમેરિકા સાથે ઘણો વેપાર કરે છે. ભારતની મોટરબાઈકો પણ અહીં આવે છે તેમાં અમને કંઈ મળતું નથી. પહેલાં ૧૦૦ ટકા અને હવે પ૦ ટકા ટેક્ષ ભારત અમેરિકી બાઈકો પર લગાવી રહ્યું છે. જે ઠીક નથી. તેમણે આયાત શુલ્કને પક્ષપાતપૂર્ણ ગણાવ્યો. હવે અમેરિકા પણ ભારતીય મોટરસાયકલો પર ભારે આયાતશુલ્ક વસૂલશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ૮૦૦ સીસીની ઓછી કેપેસિટીની બાઈક પર ૬૦ ટકા આયાતશુલ્ક લગાવાયો હતો. ૮૦૦ સીસીથી વધારે ક્ષમતાવાળી બાઈકો પર ૭પ ટકા ડ્યુટી લગાવાઈ હતી.