(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૧૨
અંકલેશ્વર તાલુકાના મોટવાણ તેમજ રવિદરા ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારીએ અચાનક મુલાકાત લેતા અનેક પ્રકારની ગેરરીતિ કરાઇ હોવાનું સામે આવ્યું હતું. જેમાં સોમવારે સુનાવણી યોજાઈ હતી. સુનાવણી બાદ બંને શાળાના મુખ્ય શિક્ષકો, બીઆરસી તેમજ ઇન્ચાર્જ સી.આર.સી.કો-ઓર્ડીનેટરને બરતરફ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને માહિતી મળી હતી કે મોટવાણ પ્રાથમિક શાળામાં પ્રોક્સી ટીચર કામ કરે છે. જિલ્લા વિકાસ અધિકારીએ લીધેલી મુલાકાતમાં પ્રાથમિક શાળામાં હાજર ત્રણ શિક્ષકો પૈકી એક શિક્ષક પ્રોક્સી ટીચર હોવાનું સામે આવ્યું હતું. આ શિક્ષક કોઈપણ જાતની વહીવટી મંજૂરી વિના ફરજ બજાવતા હતા. વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, મધ્યાહન ભોજન સંચાલકના ઘરેથી બનીને આવતું હતું અને એની કોઈ પણ જાતની ચકાસણી પણ કરાતી ન હતી. આ ઉપરાંત ઓનલાઇન હાજરીમાં પણ ગેરરીતિ સામે આવી હતી. શાળાનો એમ.ડી. સેટ પણ બંધ હતો અને શાળામાં સ્વચ્છતા જળવાતી ન હતી અને શાળાના ઓરડા પણ બિસ્માર હાલતમાં હતા. વધુમાં એકમ કસોટી માં જે લખાણ હતું એ વાંચી શકાય એવું પણ ન હતું અને શિક્ષકો કે વાલીની સહી પણ જોવા મળી ન હતી.
રવિદરા ગામે પ્રાથમિક શાળામાં ઓનલાઇનમાં ૮૫ વિદ્યાર્થીઓની હાજરી બતાવી હતી પરંતુ ફક્ત ૪૯ વિદ્યાર્થીઓ જ હાજર હતા જે અત્યંત ગંભીર ગુનો ગણાય. આ ઉપરાંત આ શાળામાં પણ એકમ કસોટીની પુસ્તિકામાં લખાણ સરસ અક્ષરે અંગ્રેજીમાં લખાયું હતું પરંતુ બાળકો પાસે વાંચન કરાવતા બાળકો એ વાંચી શક્યા ન હતા.
બંને શાળાની આવતી ગેરરીતિ બહાર આવતા છેવટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બંને શાળાના મુખ્ય શિક્ષકો મોટવાણના હર્ષદ પટેલ, રવિદરાના રવિલાલ વસાવા, બી.આર.સી કો-ઓર્ડિનેટર આમીન બાનુ પઠાણ તેમજ ઇન્ચાર્જ સી.આર.સી.કો-ઓર્ડિનેટર સાદિક લુહારને બરતરફ કરી દેતાં શિક્ષણજગતમાં મારે ચકચાર મચી જવા પામી છે.