અમદાવાદ, તા.રર
ગુજરાતમાં કોરોનાની મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં મોટાભાગની ખાનગી શાળાઓએ વાલીઓ પાસેથી ફીની વસૂલાત કરી લીધી છે. હવે જ્યારે હાઈકોર્ટે વિદ્યાર્થીઓ પાસેથી ફી નહીં વસૂલવા ચુકાદો આપ્યો છે ત્યારે સરકારને ફી નહીં વસૂલવા અંગે પરિપત્ર કરવાની ફરજ પડી છે. આમ સરકારે સંચાલકોના હિતમાં જાણી જોઈને પરિપત્ર કરવામાં વિલંબ કરતાં હજારો વાલીઓને આર્થિક તકલીફ વેઠવી પડી છે. એમ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું છે.
કોરોના મહામારીમાં રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ થવાથી સામાન્ય અને મધ્યમવર્ગ સૌથી વધુ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કોંગ્રેસપક્ષ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી હતી. કમનસીબે ભાજપ સરકાર અને ખાનગી શાળાના સંચાલકોની મીલી ભગતને લીધે વિદ્યાર્થી – વાલીઓની વ્યાજબી રજુઆત સાંભળવામાં ન આવી. મોટાભાગની શાળાઓએ શિક્ષણ કાર્ય ન હોવા છતાં ફી વસુલ કરી લીધી છે.
છેલ્લે-છેલ્લે જાહેર કરેલા પરિપત્ર અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખાનગી શાળા – કોલેજોને જે ફી ના ધોરણો નક્કી થયા છે તેમાં વીજ બીલ, વહીવટી ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ફી, રમતગમત ફી, એપ્લિકેશન ફી, કોમ્પ્યુટર ફી સહિત વિવિધ પ્રવૃત્તિનો ખર્ચ અને બીજા ખર્ચાઓ ગણતરીમાં લઈને વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલવામાં આવે છે. પણ કોરોના મહામારીમાં શાળા સંચાલકોને સંસ્થાને લોકડાઉન હોવાથી વીજબીલ, વહીવટી ખર્ચ, સહિતના અનેક ખર્ચા થયા જ નથી તેમ છતાં તમામ બાબતોની ફી વિદ્યાર્થી -વાલીઓ પાસેથી વસુલવા માટે કેમ દબાણ કરી રહ્યાં છે ? વિદ્યાર્થી – વાલીઓની વ્યાજબી રજૂઆતને ભાજપ સરકારે સાંભળી નહી અનેક ખાનગી શાળાઓના સંચાલકોએ વિદ્યાર્થી – વાલીઓ ઉપર ઓનલાઈન શિક્ષણના નામે તાત્કાલીક ફી ભરવા દબાણ કર્યું. સરકારે ખુદ તેના પરિપત્રમાં સ્વિકાર્યું કે, ખાનગી શાળાના સંચાલકો વિદ્યાર્થી – વાલીઓને દબાણ કરીને ફી વસુલે છે. સરકારે બે મહિના પરિપત્રમાં કેમ સમય લીધો ? ગુજરાતના સામાન્ય અને મધ્યમવર્ગના હિતમાં એક સત્રની ફી માફ કરવામાં આવે તેવી કોંગ્રેસપક્ષની માંગ છે. ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. રાજ્યના શિક્ષણમંત્રી વારંવાર કહી ચૂક્યા છે કે, શાળા સંચાલકો સાથે વાતચીત થઈ ગઈ છે. પરંતુ વડી અદાલતના ચુકાદાને પગલે સરકારને પરિપત્ર કરવાની ફરજ પડી. સરકારની અણઆવડત અને દિશાવિહીન શિક્ષણ વિભાગને કારણે ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ ભોગ બની રહ્યાં છે.