જામનગર, તા. રપ
જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત ખાનગી શાળાએ શિક્ષણાધિકારી કાયદા અન્વયે નિયમ મુજબ કામગીરી કરી નહીં હોવાથી તેને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે અને જરૂર પડે સ્કૂલ માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવા પણ નોટિસમાં જણાવાયું છે.
ગરીબ અને નબળા જુથ પરિવારના બાળકોને પણ ખાનગી શાળામાં ઉચ્ચ અભ્યાસ મળી રહે તે માટે શિક્ષણ અધિકારનો કાયદો સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવ્યો હતો જેમાં શાળામાં રપ ટકા બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવાનો નિયમ છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડી સ્થિત સેન્ટ થોમસ સ્કૂલમાં આ નિયમનું પાલન કરવામાં આવતું નહીં હોવાની ફરિયાદો ઊઠતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી (જિલ્લા પંચાયત)ના ડીપીઈઓ દડિયા દ્વારા આ સ્કૂલના આચાર્યને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે આપની શાળામાં નબળા જુથના બાળકોને પ્રવેશ આપવા માટે ઈન્કાર કરવામાં આવ્યો છે. આથી પ્રથમ ૧૦ હજાર અને પછીની દરેક અનિયમિતતા માટે રપ હજારનો દંડ શા માટે વસૂલ કરવો નહીં ? તેમજ આપની શાળાની માન્યતા શા માટે રદ ન કરવી ? તેનો ખુલાસો બે દિવસમાં કરવાનો રહેશે. આ નોટીસ તા. ર૩ ના પાઠવાઈ છે.