જામનગર, તા.૧૬
જામનગરના મોટીખાવડીમાં આવેલી ખાનગી પેઢીના સ્ટોરરૂમમાંથી રૂા. પંચાવન લાખ ઉપરાંતના કિંમતી માલસામાનની ચોરી થઈ જતા કંપનીના કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટીખાવડી ગામ નજીક એક્ચ્યુંટ ઈન્ડિયા પ્રા. લિ. નામની પેઢીની ઓફિસનો સ્ટોર રૂમ ગઈ તા. ૩૦ નવેમ્બરની રાત્રે બંધ કરી તેના કર્મચારી નીવેન સોમુનટરાજન વિશ્વકર્મા ગયા પછી જ્યારે તા.૨ની સાંજે પરત આવ્યા તે દરમ્યાન સ્ટોર રૂમના બારણાનું તાળુ તોડી કોઈ તસ્કરોએ હાથફેરો કરી લીધો હતો. ખાનગી કંપનીમાં બોલ્ટ ચકાસવાનું કામ કરતી આ કંપનીના સ્ટોરરૂમમાંથી રૂા. ૫૫,૫૯,૪૩૮ની કિંમતના કિંમતી ટુલ્સ પાર્ટ ઉપડી ગયા હતા. આ બાબતની મેઘપર પોલીસ સ્ટેશનમાં નીવેન વિશ્વકર્માએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ગુનાશોધક શ્વાન, એફએસએલ વગેરેની મદદ મેળવી તપાસ શરૂ કરી છે તેમજ સ્ટોરરૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા આજુબાજુમાં આવેલા અન્ય સંસ્થાનોના સીસીટીવી ફૂટેજ કબજે કરી તસ્કરોના સગડ દબાવ્યા છે.