(એજન્સી) તા.ર૯
તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના કાર્ય પર તેના ટ્‌વીટર એકાઉન્ટ વડે એક મતદાન કરાવ્યું હતું. આ મતદાનમાં લોકોએ સુષ્મા સ્વરાજના વખાણ કર્યા હતા અને કોંગ્રેસ પર પ્રશ્નો ઉઠાવ્યા હતાં. કોંગ્રેસ પાર્ટીના આ મતદાનમાં ૭૬ ટકા લોકોએ સુષ્મા સ્વરાજનું સમર્થન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ પ્રશ્ન પૂછ્યો હતો કે ઈરાકમાં ૩૯ ભારતીયોની હત્યા સુષ્મા સ્વરાજની નિષ્ફળતા છે ? આ પ્રશ્નના જવાબમાં ૭૬ ટકા લોકોએ ‘ના’માં જવાબ આપ્યો હતો.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કોંગ્રેસના આ ટ્‌વીટને રીટ્‌વીટ કરી પોતાના વિજયની ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ ત્યાં જ શરમજનક સ્થિતિમાં મુકાયેલી કોંગ્રેસ બીજા મુદ્દા પર મતદાન કરાવવાની શરૂઆત કરી હતી અને કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ વખતે વધારે સ્પષ્ટતાથી વાત કરવામાં આવી છે. કોંગ્રેસે સુષ્મા સ્વરાજને આ નવો ટ્‌વીટ રીટ્‌વીટ કરવાનો પડકાર આપ્યો હતો.
આ નવા ટ્‌વીટમાં મતદારોને બે વિકલ્પ આપવામાં આવ્યા હતાં. આ વિકલ્પોમાં ઈરાકમાં માર્યા ગયેલા ભારતીયો અને ડોકલામના વણઉકલ્યો વિવાદ આપવામાં આવ્યા હતાં. આ વખતે કોંગ્રેસે ‘ના’નો વિકલ્પ આપ્યો નહોતો. કોંગ્રેસે આ બે વિકલ્પો દ્વારા લોકોનો મંતવ્ય પૂછ્યો છે. આ બંનેમાંથી કયો મુદ્દે સુષ્મા સ્વરાજની સૌથી મોટી નિષ્ફળતા છે.
પરંતુ આ નવા મતદાન માટે પણ કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ. એક ટ્‌વીટર વપરાશકર્તાએ લખ્યું, દેશની સૌથી મોટી નિષ્ફળતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી છે. પોતાનો પ્રશ્ન બદલવા છતાં કોંગ્રેસને નિષ્ફળતા મળી હતી.