પાલનપુર, તા.૧૯
દાંતીવાડાના મોટી ભાખર ગામે એક બાર વર્ષની મૂકબધિર સગીરા પર તેના કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચરી તેનું ગળું કાપી હત્યા કરી છે જેના પગલે પાલનપુરના બાર એસોસિએશન અને દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સગીરાના આરોપીને ફાંસીની સજા આપવા અને પરિવારને ઝડપથી સહાય આપી ન્યાય આપવા રજૂઆત કરી હતી. દાંતીવાડાના મોટી ભાગર ગામે રહેતા એક માળી પરીવારની બાર વર્ષીય સગીરાને તેના કૌટુંબિક હવસ ખોર ભાઈ નીતિન માળીએ હવસની શિકાર બનાવી તેનું ગળું કાપી ક્રૂર હત્યા કરી છે જેના દેશ ભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવો એક સૂર ઊઠી રહ્યો છે.
જેના પગલે પાલનપુર બાર એસોસિએશન અને હાથીદરા દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, સગીરાનો કેસ ઝડપથી ચલાવી સગીરાની ક્રૂર હત્યા કરનાર નીતિન માળીને ફાંસીની સજા આપવામાં આવે તેમજ સગીરાના પરિવારને સરકાર દ્વારા સહાય આપી ઝડપથી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.