(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૨૨
મેઘરજના મોટી મોરી ગામની સીમમાંથી ૬ ફેબ્રુઆરીએ અજાણ્યા યુવકની ચાદરમાં લપેટેલી યુવકની લાશ મળી આવતા મૃતકના હાથે દોરેલ ટેટુના આધારે મૃતક યુવક રાજસ્થાનના ખરપેડા ગામનો ઈશ્વર ખાતુભાઇ મનાતની હોવાનું ખુલ્યું હતું. તેના પરિવારજનોને જાણ કરતા લાશ લેવા પરિવારજનો ઇસરી પોલીસસ્ટેશને પહોંચ્યા હતા પરિવારજનો અને સગા-સંબંધીઓ યુવકની ઓળખ કરવામાં આઘાપાછી કરતા શરૂઆતથી જ પોલીસના શંકાના દાયરામાં આવી ગયા હતા આજ કડી અરવલ્લી જિલ્લા પોલીસતંત્ર માટે મહત્વની સાબિત થઈ હતી અને યુવકની હત્યા કરનાર તેના જ બે સગ્ગા ભાઈઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા
અરવલ્લી પોલીસતંત્રએ હત્યારાઓને શોધવા વિવિધ ટીમો બનાવી બાતમીદારો સાથે રાખી સઘન તપાસ હાથ ધરાતા મૃતક યુવકની હત્યા તેની માતાની અંતિમ ક્રિયામાં ન બોલાવતા થયેલી બબાલમાં તેના બે સગા ભાઈ પ્રકાશ અને પારસે ઝઘડો કર્યો હતો. દરમ્યાન પારસે કુહાડીનાં ઘા ઝીંકી હત્યા કરી બે દિવસ ઘરે મૂકી રાખ્યા પછી હત્યાનું પાપ છુપાવવા રાજસ્થાનને અડીને આવેલ મેઘરજના મોટીમોરી ગામની સીમમાં ચાદર વીંટાળી નાંખી ગયા હતા. માહિતી પ્રાપ્ત થતા બંને ભાઈઓને દબોચી લઈ સઘન પૂછપરછ કરતા તેમની માતાના અંતિમક્રિયાની ઈશ્વરને જાણ ન કરતા અને અગાઉ થયેલ ઘરકંકાસમાં હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરતા બંને ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ હત્યાનો ભેદ ઉકેલવામાં જિલ્લા પોલીસતંત્ર સફળ રહ્યું હતું.
રાજસ્થાનના ખરપાડા ગામમાં રહેતા ત્રણ ભાઈઓ માંથી ઈશ્વર ખાતુંભાઈ મનાત તેના ભાઈઓ સાથે ઘરકંકાસ થતા તેની સાસરીમાં રહેતો હતો. તેની માતાના મોતના સમાચાર મળતા તેના વતન ખરપાડા ઘરે પહોંચ્યો હતો ત્યારે આ ઘટના ઘટી હતી.