અમદાવાદ,તા.૩
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) અમદાવાદના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરી રહ્યું છે. જે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમને પાછળ છોડી દેશે. ગુજરાત ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની બેઠક ક્ષમતા ૧,૧૦,૦૦૦ પ્રેક્ષકોની હશે. જેની સામે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા ૧,૦૦,૦ર૪ પ્રેક્ષકોને સમાવવાની છે. જીસીએના વાઈસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ સ્ટેડિયમની મુલાકાત લઈને બાંધકામની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંતોષ વ્યકત કર્યો હતો.
તમામ આધુનિક સુવિધાઓ ધરાવતા આ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને મૂર્તિમંત સ્વરૂપ આપવાનું કાર્ય જીસીએના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની રાહબરી હેઠળ ચાલી રહ્યું છે સ્ટેડિયમની બાંધકામ સાઈટ વેળાએ જીસીએ વાઈસ પ્રેસિડેન્ટની સાથે જોઈન્ટ સેક્રેટરી જય શાહ, કારોબારી સમિતિના સભ્ય ભરત ઝવેરી અને ભરત દુધિયા વગેરે પણ જોડાયા હતા. નિર્માણ કાર્ય નિર્ધારીત સમયપત્રક મુજબ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અમને આશા છે કે સ્ટેડિયમ તેની નિર્ધારીત સમય મર્યાદામાં તૈયાર થઈ જશે. એમ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે નવું સ્ટેડિયમ આધુનિક યુગનું નજરાણુ હશે અને અમદાવાદ શહેરમાં જોવાલાયક સ્થળોમાં વધુ એક આકર્ષણનો ઉમેરો કરશે.
નવું સ્ટેડિયમ આશરે ૬૩ એકર જમીન પર આકાર લેશે અને કલબ હાઉસથી સજજ હશે. જેમાં પ૦-પપ જેટલા રૂમો તથા ઓલિમ્પક સ્તરનો સ્વીમિંગ પુલ હશે. નવા સ્ટેડિયમમાં ત્રણ પ્રેકટીસ ગ્રાઉન્ડ હશે તેમજ ઉભરતા ક્રિકેટરોને કોચિંગ આપવા માટે ઈન-ડોર ક્રિકેટ એકેડેમી પણ હશે.