અમદાવાદ, તા.૨૭
વુમન્સ સીનિયર વનડે ચેલેન્જર ટ્રોફીની યજમાની અમદાવાદના નવનિર્મિત મોટેરાને આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. સૂત્રો અનુસાર બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયાએ આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનને ઓફર કરી છે. જીસીએ આગામી ૨-૩ દિવસમાં ગ્રાઉન્ડ સ્ટાફ અને પિચ ક્યુરેટર સાથે ચર્ચા કરીને બીસીસીઆઈને જવાબ આપશે. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ પછી સ્ટેડિયમમાં અમુક કામકાજ કરવાની જરૂર હોય તે સ્વાભાવિક છે. તેવામાં સાફ-સફાઈ, ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને પિચ ક્યુરેટરની સહમતી પર નિર્ભર રહેશે કે મોટેરા આ ટૂર્નામેન્ટની યજમાની કરશે કે નહીં ?
વુમન્સ સીનિયર વનડે ચેલેન્જર ટ્રોફીમાં ઇન્ડિયા રેડ, ઇન્ડિયા બ્લૂ અને ઇન્ડિયા ગ્રીનની ટીમ ભાગ લેશે. તેઓ એકબીજા સામે એક-એક મેચ રમે પછી પોઈન્ટ્‌સ ટેબલની ટોપ-૨ ટીમ વચ્ચે ફાઇનલ રમાશે. આ ટૂર્નામેન્ટ ૨૬ માર્ચથી ૩૦ માર્ચ દરમિયાન રમાશે.