(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૯
સરકારના “બેટી બચાવો બેટી પઢાવો”ના સૂત્રો વચ્ચે શાળાઓમાં લંપટ શિક્ષકો દ્વારા થતી વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટનાઓ સતત બનતી રહેતા “બેટી પઢાવો પછી પહેલા બેટી બચાવો”ના નારા ગુંજે તો નવાઈ નહિ. રાજ્યના અનેક નગરોમાં શિક્ષણને જગતને શર્મસાર કરતી ઘટનાઓ ઘટે છે. આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગામે ઘટી છે.
કુડોલ પ્રાથમિક શાળાના હવસખોર આચાર્ય કિરીટ.આર.પટેલે ધોરણ-૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓફિસમાં બોલાવી અડપલાં કરી છેડતી કરતા વિદ્યાર્થિનીએ ઘરે પહોંચી પરિવારજનોને જાણ કરતા શાળાએ દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ હોબાળો મચાવી આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આચાર્ય તેના કાળા કરતૂતનો પર્દાફાશ થતા ઓફિસમાં ટેબલ નીચે છુપાઈ ગયો હતો. જિલ્લા પ્રાથિમિક શિક્ષણાધિકારી અને તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું.
કુડોલ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કિરીટ રમણભાઈ પટેલ નામના લંપટને મનમાં વાસનાનો કીડો સળવળતા ત્રણ દિવસ અગાઉ ધો-૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેની ઓફિસમાં કામ છે કહી ત્રણ-ચાર વિદ્યાર્થિનીઓને બોલાવી એક વિદ્યાર્થિનીને ઓફિસમાં ઊભી રાખી અન્ય છોકરીઓને ઓફિસની બહાર નીકળી જવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થિનીને અડપલાં કરી વિદ્યાર્થિની પાસે બિભસ્ત માંગણી કરતા વિદ્યાર્થિની કામાન્ધ બનેલા વરૂ જેવા ગુરૂનું રૂપ જોઈ ગભરાઈ ગઈ રૂમની બહાર નીકળી ગઈ હતી. આચાર્યની છેડતીનો ભોગ બનેલ વિદ્યાર્થિની ડઘાઈ ગઈ હતી અને શાળાની શિક્ષિકાને પણ સમગ્ર ઘટનાની જાણ કરી હતી વિદ્યાર્થિનીએ પરિવારજનોને આચાર્યે તેની સાથે કરેલી હરકતની જાણ કરતા પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ છવાયો હતો અને શાળાએ પહોંચી હોબાળો મચાવી લંપટ આચાર્યને જેલના સળિયા પાછળ ધકેલી દઈ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી.