મોડાસા, તા.૨૧
મોડાસા શહેર સહિત જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી આવેલા લોકોને ૧૪ દિવસ માટે કોરન્ટાઈન કરવા વિવિધ સ્થળોએ કોરન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યા છે મોડાસાના સાકરિયા નજીક ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજમાં ઉભા કરાયેલ કોરન્ટાઈન સેન્ટરમાં કોરન્ટાઈન કરેલા લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડતા કોરન્ટાઈન થયેલા જાગૃત યુવકે કોરન્ટાઈન સેન્ટરમાં પીવાનું પાણી પણ ઉપલબ્ધ ન હોવાનું અને બાથરૂમનું પાણી પીવું પડી રહ્યું હોવાની સાથે સ્વચ્છતાનો અભાવ હોવાનો સંડાશ બાથરૂમમાં લાઈટની સુવિધાનો અભાવ અને ફરજ પરના કર્મચારીઓ તેમની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા હોવાનો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા આરોગ્ય તંત્રની કામગીરી સામે માછલાં ધોવાતાં તંત્રમાં ભારે દોડધામ મચી હતી અને કોરન્ટાઈન સેન્ટરમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ઉભી કરી સફાઈ કામદારોને કામે લગાડ્યા હતા.
કોરન્ટાઈન સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને એન-૯૫ માસ્ક પણ આપવામાં ન આવતા કર્મચારીઓ જીવન જોખમે ફરજ બજાવી રહ્યાં છે ત્યારે કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં પણ કોરોના સંક્રમિત થવાનો ભય તોળાઈ રહ્યો છે.