(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧પ
મોડાસાના સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે “નિર્ભયા” કાંડને અંજામ આપનાર ચાર આરોપીઓ માંથી ૩ આરોપીઓ બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કર્યુ હતું જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ મૃતક યુવતીના પરિવારજનોની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી સમગ્ર ઘટનામાં મધુસુદન મિસ્ત્રીએ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની શંકાસ્પદ કામગીરી સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલ અને મોડાસા ટાઉન પીઆઈ એન.કે.રબારીની અન્ય જિલ્લામાં બદલી સાથે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.રાજ્ય સભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે સાયરા (અમરાપુર ) ગામની ૧૯ વર્ષીય યુવાન દિકરીના મત્યુ માટે સમાજના અને સગા સંબંધી લોકો ખૂબ આક્રંદ કરતા હતાં. તેમનામાં ભારોભાર રોષ હતો અને તેનું અપહરણ કરનારાઓ, તેના પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારાઓને ફાંસીની સજા થાય તેવી અંગેની માંગણી કરતા હતા. ત્યારે હૃદયદ્રાવક ર્દશ્યો સર્જાયા હતા.મોડાસા ટાઉન પોલીસની આ સમગ્ર બનાવમાં કામગિરી સંદિગ્ધ રહી છે તેવો તેમનો આક્ષેપ હતો. યુવતીના ગુમ થયાને ચાર ચાર દિવસ પછી પણ અને અપહરણ કરનારાઓના નામ આપ્યા છતાં , તે અંગેના સી . સી . ટી . વી . ફૂટેજ બતાવ્યા છતાં પોલીસ તરફથી કોઇ કાર્યવાહી કરવા માં આવી નહોતી . જીલ્લા પોલીસવડા મયુર પાટીલનું વર્તન પણ આ લોકોની રજુઆત સમયે તેમને ધમકાવવાનું તેમજ એક અધિકારી તરીકે ઉધ્ધતાઇ ભર્યું રહ્યું હતું તેવું તેમણે મને જણાવેલ હતું . છેક પાંચમા દિવસે આ અપહરણ થયેલ યુવતીની લાશ ઝાડ પર લટકાવવામાં આવેલી મળી હતી. ત્યારબાદ તેમની એફઆરઆઇ નોંધવામાં આવી હતી . પોલીસ આરોપીઓને ત્યારબાદ પણ ત્રણ ચાર દિવસ સુધી પકડી શકી નહોતી અને છેક ૮મી તારીખની સાંજે ચારમાંથી ત્રણ આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં સાંજે શરણાગતી સ્વીકારીને હાજર થયા હતા . તે પૈકી હજુ એક આરોપી પકડવાનો બાકી છે , આ આરોપીઓ આ ગાળા દરમ્યાનમાં અન્ય કોઇ જગ્યાએ હતા તેવી એલ.ઇ.બી , ઉભી કરવાના પ્રયત્નો કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે .મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જેમની આજ જીલ્લાના ઇસરી પોલીસ સ્ટેશનમાં બદલી કરાઇ છે તેવું મેં અખબાર થકી જાણ્યું છે. તેમની વર્તણૂક તેમની કોમના આરોપીઓના બચાવ કરવાની હોય તેવું દેખાઇ રહયું છે. ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં તેમની બદલી કરવાથી તેઓએ સમગ્ર બનાવમાં હસ્તક્ષેપ નહીં કરે તેવું માની લેવુ ઘણું અઘરૂં છે . તેમને ત્યાથી પણ હટાવીને સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના અન્ય જીલ્લામાં મૂકવા જોઇએ એવું મને લાગે છે . જીલ્લા વડા પોલીસ અધિકારી પણ આ બાબતમાં પોતાના સ્ટાફના માણસોને બચાવવા પડેલા હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. તેથી જીલ્લા પોલીસ વડાને પણ ત્યાંથી ખસેડવાની હું માંગણી કરું છું . મારી દ્રષ્ટીએ એક દલિત દિકરીને ધોળા દિવસે અપહરણ કરી , તેના પર દુષ્કર્મ ગુજારી . તેની હત્યા કરી અને તેની લાશને ગામની સીમમાં ઝાડ પર લટકાવવાનું કૃત્ય જધન્ય છે. આપના વડપણ હેઠળના ગુજરાતમાં આવો બનાવ બને તે આ રાજ્યને અને આપની નેતાગિરી અને પ્રતિષ્ઠાને હાની પહોચાડનારૂં છે. આપને મારી વિનંતી છે કે આપના તાબા હેઠળના પોલીસ તંત્રને અને તેમાં ચાલતા આ જાતિવાદ અને ભ્રષ્ટાચારને સખત હાથે દાબી દઇ આપ પ્રજાને પોલીસ તંત્ર નિષ્પક્ષ છે. એવી પ્રતીતી કરાવશો તેવી માંગ કરી હતી.