મોડાસા, તા.૧પ
મોડાસાના સાયરા (અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યા પછી આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ બનાવના આરોપીઓને ફાંસીની સજા કરવાની માંગ ઉઠી છે. ત્યારે મોડાસાની સાયરાની મૃતક યુવતીના મામલે તેની બે બહેનપણીઓનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. આ ક્લિપની વાતમાં જીગર નામના યુવકનું નામ બોલવામાં આવે છે. હાલ તો પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. મોડાસાની મૃતક યુવતીની બે બહેનપણીઓની ઓડિયો ક્લિપ વાયરલ થતા મામલો વધુ ગૂંચવાયો હોય તેવું લાગી રહ્યું છે.
આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે તે પ્રમાણે મોડાસાની મૃતક યુવતીને તેણે એક રિક્ષામાં બેસાડી હતી. રિક્ષાવાળા ભાઈને જણાવ્યું હતું કે, આ યુવતીને સાયરા સિવાય ક્યાંય બીજે ઉતારશો નહીં તે વચ્ચે ઉતરવાનું કહે તો પણ તેને સાયરા જ ઉતારજો. મહત્ત્વનું છે કે, જે બે યુવતીઓ વચ્ચે વાત થઇ રહી છે તેઓ આ યુવકને ઓળખતા પણ નથી. મૃતક યુવતી કોઇની કારમાં બેઠી હતી તેવો પણ ઉલ્લેખ છે. આ બહેનપણીઓમાંથી એક યુવતીએ તેને તે કારમાંથી પરાણે ઉતારી હતી અને તેનો સીમ અને મોબાઈલ તોડી નાંખ્યો પણ હતો.આ ઓડિયો ક્લિપને કારણે મામલો વધારે ગૂંચવાયો છે. આ ઓડિયોમાં જીગર ઉપરાંત અન્ય એક યુવતીનું નામ પણ અનેકવાર બોલવામાં આવે છે. હાલમાં વાયરલ ઓડિયો ક્લિપની પોલીસે તપાસ હાથ ઘરી છે.