મોડાસા, તા.૧૧
અરવલ્લી જીલ્લામાં કારમાં ગેસ કટર સાથે પહોંચી એટીએમમાં ચોરી કરતી તસ્કર ટોળકીએ તરખાટ મચાવતા ૬ કલાકના સમયગાળામાં જીલ્લાના બે એટીએમ મશીનમાં લાખો રૂપિયાની ચોરી કરી અન્ય એક એટીએમમાં ચોરીના નિષ્ફળ પ્રયાસથી જીલ્લા પોલીસતંત્રમાં દોડધામ મચી હતી.
સોમવારની મોડી રાત્રે ડેમાઈ આઉટ પોસ્ટ પોલીસ મથક નજીક આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને રાત્રીના ૩ વાગ્યાના સુમારે ગેસ કટરથી કાપીને અંદાજે રૂપિયા ૬. ૪૩ લાખની ચોરી કરી બાયડના પાવનપ્લાઝમાં આવેલા કેનારા બેંકના એટીએમમાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો ત્યાર બાદ વહેલી સવારે ૫ વાગ્યાના સુમારે મોડાસાના માલપુર રોડ પર આવેલી કેનરા બેંકના એટીએમને ગેસ કટરથી કાપી ૧.૩૭ લાખની ચોરી કરી એટીએમ તોડી ચોરી કરતી ગેંગ રફુચક્કર થઈ હતી. આ ચોરીના પગલે દોડધામ મચી ગઈ છે. એટીએમમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોએ સીસીટીવી કેમેરા પર કાળા કલરનો સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી. કેમેરાની રેકોર્ડિંગની કેસેટ અને ડીવીઆર પણ સાથે લઈ જતા આ પ્રકારની હરકતથી રીઢા ગુનેગારો હોવાનું અને હરિયાણાની કુખ્યાત મેવાત ગેંગનો હાથ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે બાયડ અને મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. મોડાસાની કેનરા બેંકમાં તસ્કરો પાણીની બોટલ છોડી ગયો છે તે મહત્ત્વની કડી સાબિત થશે
અરવલ્લી જીલ્લામાં મોટા ભાગના એટીએમ મશીનોમાં સિક્યુરિટી ગાર્ડ વિહોણા
અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ બેંકોના એટીએમ મશીનો પર આરબીઆઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન જોવા મળે છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ વગર નધણિયાત છોડી દેવામાં આવતા એટીએમ તોડતી ગેંગ માટે એટીએમને ગેસકટર થી કાપી ચોરીની ઘટનાને અંજામ આપવામાં સરળતા રહે છે જેથી સમયાંતરે એટીએમમાં ચોરીની ઘટનાઓ બની રહી છે.