(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.ર૮
કોવીડ હોસ્પિટલ મોડાસામાં ૪ દિવસથી શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ થયેલા વૃદ્ધને ચાર દિવસથી કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવતી ન હોવાની અને ચાર દિવસ થવા છતાં કોરોનાનો રિપોર્ટ પણ આપવામાં ન આવતા દાદાનું દુઃખ ન જોઈ શકતા પૌત્રે કોવીડ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આરોગ્ય તંત્રએ કોરોનામાં થઈ રહેલી કામગીરીના ફૂલવેલા ફુગ્ગાની હવા નીકળી ગઈ હતી. મોડાસાની કોવીડ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર અર્થે દાખલ થયેલા દાઉદભાઈ સુથાર નામના વૃદ્ધને છેલ્લા ૪ દિવસથી કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવતી ન હોવાની અને ચાર દિવસ થવા છતાં કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ છે કે નેગેટિવ તે અંગે પણ આરોગ્યતંત્ર જવાબ સુદ્ધો ન આપતા અને સારવારના અભાવે વૃદ્ધની દિવસે ને દિવસે હાલત ખરાબ થતા અને દર્દથી કણસતા દાદાનું દુઃખ ન જોઈ શકતા પૌત્રે કોવીડ હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો હતો અને મોડાસાની કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમ સગવડ આપવામાં આવતી હોવાના તંત્રના દાવાની પોલ ખૂલી ગઈ છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સામે જંગ જીતવા સજ્જ હોવાના દાવાઓ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ જિલ્લામાં કોરોનાના દર્દીઓ અને કોરોનાના ભય હેઠળ જીવતા જીલ્લાના પ્રજાજનો ઉપરવાળાના ભરોસે હોય તેવો અહેસાસ કરી રહ્યા છે.