(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧૦
મોડાસા-માલપુર રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીને કોલેજના અન્ય વિદ્યાર્થીએ મોબાઈલ કોલ કરી મજાક કરતા નર્સિંગ કોલેજના કર્મચારીએ વિદ્યાર્થિનીએ કોઈ પણ જાતની ફરિયાદ કરી ન હોવા છતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને માર મારતા વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને કર્મચારીઓની કામગીરીથી અકળાઈ ઊઠી શિક્ષણનો બહિષ્કાર કરતા મેનેજમેન્ટ ટ્રસ્ટીઓ નર્સિંગ કોલેજમાં દોડી પહોંચી મામલો થાળે પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
મોડાસાના સાકરીયા નજીક આવેલ ભાગ્ય લક્ષ્મી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોલેજની અન્ય વિદ્યાર્થિનીને મોબાઈલ કોલ કરી મજાક કરતા નર્સિંગ કોલેજના કર્મચારી સંદીપ પટેલે વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીની લોહી-લુહાણ હાલત જોઈ વિદ્યાર્થીઓ પણ ચોકી ઉઠ્યા હતા અને અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સંદીપ પટેલ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો કરી શિક્ષણકાર્યનો બહિષ્કાર કરી સંદપિ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. વિદ્યાર્થીઓના હોબાળાના પગલે ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ કોલેજ દોડી આવ્યા હતા કોલેજના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજાવવાના પ્રયત્નો હાથ ધરી મામલો થાળે પાડવા પ્રયત્નો હાથ ધર્યા હતા. વિદ્યાર્થીઓએ સંદીપ પટેલને કોલેજમાંથી બરતરફ કરવાની માંગ યથાવત રાખતા મામલો ગૂંચવાયો હતો.