મોડાસા, તા.૧
અમદાવાદ-ઉદેપુર ને.હા. નં-૮ બુટલેગરો માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે આ માર્ગે હવે ચાંદીનો ગેરકાયદેસર જથ્થો ઘૂસાડવા ઉપયોગમાં લેવામાં આવતા ખરા અર્થમાં સિલ્કરૂટ બન્યો હોય તેમ મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પરથી પસાર થતી કારમાંથી ૪૧૬.૦૪૫ કિલો ૨.૨૪ કરોડ રૂપિયાની ચાંદીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી પર નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ હાથ ધરતાં શામળાજી રતનપુર ચેકપોસ્ટ તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવી રહેલી નિશાન સન્ની કારને અટકાવી કારચાલક રાજકોટના ધર્મેન્દ્ર ખોડિયા અને વિજવ દાણીધારિયા નામના શખ્સની પૂછપરછ કરતા થોથવાઈ જતાં પીઆઈ સી.પી.વાઘેલા તેમને કાર સાથે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને લઈ આવી સઘન પૂછપરછ કરતા કારમાં સીટ નીચે ગુપ્ત ખાનામાં કોથળામાં ચાંદી હોવાનું જણાવતા પોલીસે સીટ નીચે તલાસી લેતા ગુપ્ત ખાનામાંથી પ્લાસ્ટિકના કોથળાઓમાંથી ચાંદીની પ્લેટો અને દાગીનાનો ૪૧૬.૦૪૫ કિલો કિં.રૂા.૨,૨૪,૩૨, ૮૧૮/-નો જથ્થો મળી આવતા પોલીસે આ અંગે બંને શખ્સોને બિલ રજૂ કરવા જણાવતા બિલ કે આધાર પૂરાવા રજૂ ન કરી શકતા પોલીસે બંનેની અટકાયત કરી ચાંદીના જથ્થાને સીલ કરી આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ-૧૩,૯૭૦, મોબાઈલ નંગ-૨ કિં.રૂા.૬૦૦૦/- તથા કારની કિં.રૂા.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૨,૨૬,૬૩,૭૮૮/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.