(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૪
ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે જેને એક મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે પણ સરકાર કાયદા પરત લેવા માટે તૈયાર નથી અને માત્ર સુધારા માટે વાતચીત પર અટકી છે. ત્યારે બીજી તરફ રોષે ભરાયેલા ખેડૂત નેતાઓએ સરકારને પડકાર ફેંકતા કહ્યું છે કે, તે આગની સાથે રમવાનું બંધ કરી દે અને કાયદા પરત લેવા પર અડગ છે. કૃષિ કાયદાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને આવ્યા છે કેમ કે, ભાજપે રાજ્યભરમાં ખેડૂત સંમેલન ઉપરાંત ખાટલા બેઠકો યોજી ખેડૂતોને સમજાવવા પ્રયાસો કર્યા છે. જ્યારે કોંગ્રેસે ખેડૂતો આંદોલનના સમર્થનમાં અને કૃષિ બિલ પરત લેવા ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કરતા કાર્યક્રમો આપી રહી છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ દિલ્હી સ્થિત આંદોલન પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં અને નવો કૃષિ કાયદો પરત લેવાની માંગ સાથે મોડાસા ચાર રસ્તા પર કૃષિ બિલ ફાડી વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો પાસેથી નવા કૃષિ બિલની પરત ઊઘરાવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રમૂજ ફેલાઈ હતી. આખરે નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
Recent Comments