મોડાસા, તા.૧૮
મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી મોડાસા શહેરમાં જ કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપી વધી રહ્યું છે. જેને લઈ શહેરમાં પોઝિટિવ આંક ૭૦ પર પહોંચી ગયો છે. ગરૂવારે મોડાસા શહેરમાં ૪ કેસ અને શહેરને અડીને આવેલા સબલપુર ગામમાં ૧ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ ૧૬૮ કેસ પોઝિટિવ નોંધાયા છે. મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ ફેલાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે મોડાસા નાગરિક સહકારી બેંકનો કર્મચારી કોરોનામાં સપડાતા હડકંપ મચ્યો છે. બેંક કર્મચારી કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ગાઈડલાઈન અનુસાર ત્રણ દિવસ બેંકને તાળાં મારી દેવામાં આવ્યા છે મોડાસા શહેરમાં કોરોનાના સંક્રમણનું સંકટ ઘેરૂં બનતાં માર્કેટયાર્ડમાં કરિયાણાના દુકાનધારકોએ અડધો દિવસ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે.