મોડાસા, તા.૭
આજે ધો-૧૦ની સાયન્સ એન્ડ ટેક્નોલોજીની પરીક્ષામાં મોડાસાના જીનિયસ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો.જેના પગલે કેન્દ્ર સંવાહકે ડમી તેમજ પરીક્ષાર્થી સામે મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ડમી પરીક્ષાર્થી ઝડપાતાં શિક્ષણ વિભાગ ચોંકી ઉઠયુ હતુ. ડમી પરીક્ષાર્થી ઝડપાતાં જ ઝોનલ અધિકારી અને પરીક્ષામાં મુકાયેલ અધિકારીઓ કેન્દ્ર ઉપર દોડી પહોંચ્યા હતા.ડમી વિદ્યાર્થી કલ્પેશ સોમાભાઈ કોટવાલ તેના મામા ભરતભાઈ બાબાભાઈ ખાંટ ની જગ્યાએ પરીક્ષા આપતો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી હાલ તો મામાને બોર્ડની પરીક્ષા પાસ કરાવવા જતા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે
ધો.૧૦ ના બોર્ડની પરીક્ષામાં સાયન્સ એન્ડ ટેક્નોલોજીનું પેપર હતું જેમાં જીનિયસ સ્કૂલ કેન્દ્ર પર સવારે નિયત સમય પ્રમાણે પેપર શરૂ થઈ જતાં જીનિયસ સ્કૂલ કેન્દ્રના બ્લોક નં ૯૦માં સુપરવાઈઝર દ્વારા પરીક્ષાર્થીઓની રીસીપ્ટનુ ચેકીંગ શરૂ કરાયુ હતુ જેમાં પરીક્ષાર્થી રીસીપ્ટ તપાસતા રીસીપ્ટ પર રહેલા ફોટાના બદલે અન્ય ડમી વિદ્યાર્થી પરીક્ષા આપવા બેસેલ હોવાનું બહાર આવતા સુપરવાઈઝરે કેન્દ્ર સંવાહકને જાણ કરાતાં તાબડતોડ બ્લોકમાં પહોંચ્યા હતા અને ભરત બબાભાઈ ખાંટની જગ્યાએ ડમી વિદ્યાર્થી તરીકે કલ્પેશ સોમાભાઈ કોટવાલ નામનો શખ્શ પરીક્ષા આપી રહ્યો હોવાનું બહાર આવતા જ તાબડતોબ ઝોનલ અધિકારી મદની પરીક્ષા કેન્દ્ર પર દોડી આવ્યા હતા સુપરવાઈઝરની સતર્કતા ના પગલે આખોય ભાંડો ફૂટી ગયો હતો
આ અંગે તાબડતોબ મોડાસા ટાઉન પોલીસને જાણ કરી દેવામાં આવી હતી અને કેન્દ્ર સંવાહક જીતેન્દ્રકુમાર દેવશીભાઇ પટેલે ડમી વિદ્યાર્થી કલ્પેશ સોમાભાઈ કોટવાલ (રહે,ઈસરોલ,તા-મોડાસા) અને પોતાની જગ્યાએ અન્યને પરીક્ષા આપવા માટે મોકલનાર ભરત બાબુભાઇ ખાંટ (રહે,રંગપુર, તા-ભિલોડા) સામે ગુનો નોંધાવ્યો હતો જેના પગલે ટાઉન પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી ડમી વિદ્યાર્થી કલ્પેશ સોમાભાઈ કોટવાલને પરીક્ષા કેન્દ્ર પરથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ભરતભાઈ બાબુભાઇ ખાંટને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી હતી.