મોડાસા, તા.૯
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, પણ સામાજિક અંતરના ધજાગરા ઉઠી રહ્યા છે. મોડાસા ચાર રસ્તા પર વહેલી સવારે મજૂર મેળો ભરાય છે, જ્યાં સમાજિક અંતરના લીરેલીરા ઉડી રહ્યા છે. મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીની સામે જ સામાજિક અંતર નથી જળવાતું તો શહેરના અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં સામાજિક અંતર ક્યાંથી જળવાશે તે કહેવું કદાચ મુશ્કેલ છે.આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર મોડાસા શહેરના ચાર રસ્તા પર મોટી સંખ્યામાં એકઠા થતા શ્રમિકોમાં કોરોના અંગે જાગૃતિ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે અને કોરોના પોઝિટિવ કેસનો આંક શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી ૧૬૦ ઉપર પહોંચ્યો છે. લોક ડાઉન સમયે સામાજિક અંતર જાળવવા તંત્ર દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો હતો, પણ હવે તે ક્યાંય જોવા નથી મળી રહ્યું, જેને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય તો નવાઈ નહીં. મોડાસા શહેર હોટ સ્પોટ તરફ પ્રયાણ કરી ચુક્યું છે, પણ પાલિકા તંત્ર માસ્કનો દંડ વસૂલીને સંતોષ માની રહ્યું છે, પણ સોશિયલ ડીસ્ટેન્સ તરફ ધ્યાન ન તો વહીવટી તંત્ર આપી રહ્યું છે, કે ના પાલિકા તંત્ર. વહીવટી તંત્ર તો આંકડાઓ પર વિશ્વાસ કરીને સંતોષ માની લે તેવું લાગી રહ્યું છે.

થર્મલ સ્ક્રિનિંગ ગાયબ

શરૂઆતમાં કોરોનાને કારણે શહેરમાં થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવતું હતું પણ થર્મલ સ્ક્રિનિંગ શબ્દ વહીવટી તંત્રએ ગાયબ જ કરી નાખ્યો હોય તેવું લાગી રહ્યું છે. કલેક્ટર કચેરી ચેમ્બર સિવાય અન્ય કોઈ જ કચેરમાં થર્મલ સ્ક્રિનિંગ કરવામાં નથી આવતું, મોડાસા નગર પાલિકા, મામલતદાર કચેરી, આરોગ્ય કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલિસ વડા કચેરી વગેરે સરકારી કચેરીઓમાં થર્મલ સ્ક્રિનિંગ ગાયબ થઈ ચુક્યું છે, જે એક ચિંતાનો વિષય છે.