(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા. ૬
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરનો બાયપાસ રોડ વાહનચાલકો અને રાહદારીઓ માટે ગોઝારો હોય તેમ અકસ્માતમાં લોકાના મોત નિપજવાના કિસ્સાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મોડાસા બાયપાસ રોડ સહયોગ ચોકડી નજીક આવેલા પશુ દવાખાના નજીક થી પસાર થતા બે યુવાન પિતરાઈ ભાઈની બાઈકને અજાણ્યા વાહને અડફેટે લેતા એક યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને અન્ય યુવાનના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ ઈમરજંસી એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અક્સમાતના પગલે દોડી આવેલી મોડાસા ટાઉન પોલીસે બંને મૃતક યુવાનની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ભિલોડા તાલુકાના ચીભડીયાટા ગામના વણઝારા પરિવારના બંને પિતરાઈ ભાઈ કામકાજ અર્થે મોડાસા નજીક થી પસારથતા હતા ત્યારે અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા કમકમાટીભર્યું મોત નીપજતા ભારે શોકની લાગણી છવાઈ હતી. ચીભડીયાટા ગામના નગીનભાઈ ફતાભાઈ વણઝારા (ઉં.વ.૨૦) અને બળવંત ભાઈ રત્નાભાઇ વણઝારા (ઉં.વ.૨૫) બંને બાઈક ગાડી.નં.જીજે-૯-પીએન-૧૮૪૫ લઈને મોડાસા કામકાજ અર્થે બાયપાસ રોડ પરથી ગુરુવારે સાંજના સુમારે પસાર થતા હતા. ત્યારે પાછળથી અજાણ્યા વાહનચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારતા બંને યુવાનો રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા નગીનભાઈ નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જયારે બળવંત ભાઈ તરફડીયા ખાતા ૧૦૮ ઈમરજંસી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજતા અક્સમાતના પગલે દોડી આવેલા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. મોડાસા ટાઉન પોલીસે રત્નાભાઇ ગોરધનભાઈ વણઝારા (રહે,ચીભડીયાટા) ની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અક્સમાતે મોત નો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.