(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.રર
પ્રજાનો સાચો સેવક કોને કહેવાય તેનું ઉદાહરણ અમદાવાદ ગોમતીપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખે પૂરૂં પાડયું છે. તેઓ પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો ગટર, પાણી, રસ્તા, લાઈટના પ્રશ્નો ઉકેલવામાં તો સતત હાજર જ હોય છે. પરંતુ તેમના વિસ્તારમાં પ્રજાને કોઈપણ તકલીફ પડે અને તેમનો સંપર્ક કરવામાં આવે તો તેઓ અડધી રાત્રે પણ દોડી જાય છે. ગત રાત્રે પણ ગોમતીપુર સુખરામનગર નજીક એક યુવતીને અજાણ્યો રિક્ષાચાલક ઉતારીને જતો રહેતા ઈકબાલ શેખ તુરત જ આ યુવતીની વ્હારે આવ્યા હતા, વાત એમ છે કે ગોમતીપુર સુખરામનગર ખાતે ગત મોડી રાત્રે એક શિક્ષિત યુવતીને ઉતારી રિક્ષાચાલક જતો રહ્યો હતો. યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની શંકાએ સ્થાનિક લોકોએ તેણીની પૂછપરછ કરી સ્થાનિક કાઉન્સિલર ઈકબાલ શેખનો સંપર્ક કર્યો હતો. આથી ઈકબાલ શેખ તુરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેણીને સાંત્વના આપી તમામ મદદની ખાતરી આપતા યુવતીએ જણાવ્યું હતું કે તેનો અમરાઈવાડી ખાતે રહેતો પ્રેમી મુકી જતો રહ્યો છે. આથી ઈકબાલ શેખ તથા અન્યો યુવતીને લઈ અમરાઈવાડી તેણીના પ્રેમીના ઘરે જતા તે મળી આવ્યો ન હતો. આથી તેણીને તેના મા-બાપના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ યુવતીએ જવાનો ઈન્કાર કર્યો હતો. આથી ના છુટકે યુવતીને રખિયાલ પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી. આ તબક્કે યુવતીએ ઈકબાલ શેખની માનવતા અને તેમની હૂંફ જોઈ તેમની સાથે લઈ જવા આગ્રહ રાખ્યો હતો. આથી ધર્મસંકટમાં મુકાયેલા ઈકબાલ શેખે મહિલા પોલીસને જાણ કરી હતી. આથી મહિલા પોલીસે આ યુવતીને ઓઢવ નારી સંરક્ષણગૃહમાં મોકલી આપી હતી.
આમ મોડી રાત્રે રસ્તા પર એકલી ફરતી અજાણી યુવતી સાથે કોઈ અજુગતુ ન બને તે હેતુથી ઈકબાલ શેખે દર્શાવેલી માનવતાના ચોમેર વખાણ થતા હતા લોકોએ પ્રજાનો સાચો સેવક આવો હોવો જોઈએ તેની પ્રશંસા કરી હતી.