(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
ઉન્નાવ અને કઠુઆ દુષ્કર્મનો વિરોધ કરવા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્ડલ માર્ચની આગેવાની લેતા જણાવ્યું હતું કે, દેશની મહિલાઓને આજે બહાર આવવા માટે મજબૂર થવું પડ્યું છે અને મોદીએ બેટી બચાવોની ફરજ શરૂ કરવી જ જોઇએ. અણે અહીં મહિલાઓ વિરૂદ્ધના અત્યાચાર, દુષ્કર્મ વિરૂદ્ધ, હિંસા વિરૂદ્ધ અને હત્યા વિરૂદ્ધ સરકાર પગલાં ભરે તે માટે એકત્રિત થયા છીએ. આ એક રાષ્ટ્રીય મુદ્દો છે તેમાં રાજકારણ નથી. રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગેટ ખાતેથી જણાવ્યું હતું કે, આ મહિલાઓ માટે માર્ચ છે. અહીં આજે હજારો લોકો આવ્યા છે જેમાં સામાન્ય લોકો અને કેટલીક પાર્ટીઓના લોકો પણ સામેલ છે. દેશમાં આજે આ સ્થિતિ એ માટે સર્જાઇ છે કારણ કે એક બાદ એક રેપ અને હત્યાઓ થઇ રહી છે. અમે અહીં આ કૃત્યો વિરૂદ્ધ ઉભા છીએ અને સરકારને પગલાં ભરવા માગ કરી રહ્યા છીએ. મધરાતે નીકળેલી માર્ચમાં સરકાર વિરોધી નારાઓ વચ્ચે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશની મહિલાઓએ આજે રાતે બહાર આવવા મજબૂર બની છે અને શાંતિથી રહેવા માટે સુરક્ષા અને મદદ સરકાર પાસેથી માગી રહી છે. રાહુલે કહ્યું કે, મોદીનો બેટી પઢાવો, બેટી બચાવો નારો સાચો છે અને તેમણે આ દિશામાં પોતાની ફરજ શરૂ કરવી જોઇએ. રાહુલ ગાંધીએ રાતે ૧૧.૫૫ કલાકે માનસિંહ રોડ ખાતેથી માર્ચમાં ભાગ લીધો હતો અને આ રેલી ત્રણ કિલોમીટર ચાલી ઇન્ડિયા ગેટ પર પહોંચી હતી. કેન્ડલ માર્ચમાં પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ સામેલ થયા હતા આ ઉપરાંત યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ઇન્ડિયા ગેટ ખાતે પહોંચ્યા હતા.