(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૯
ગુજરાતમાં ભાજપ શાસકોના રર વર્ષના દિશાવિહિન શાસનના કારણે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આગળ જવાને બદલે પાછળ ધકેલાઈ ગયું છે. ખુદ ભારતના વડાપ્રધાનના ગૃહ જિલ્લા મહેસાણામાં ૧૪થી ૧૮ વર્ષના બાળકો ભણતર માટે દાખલ થતાં નથી ત્યારે શિક્ષણ ક્ષેત્રે અધોગતિ માટે ભાજપ સરકાર જવાબદાર હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું છે. “મોદી મોડલ”ના નામે સમગ્ર દેશમાં મોટી મોટી અને ખોટી ખોટી વાત કરનાર ભાજપ શાસકોનો શિક્ષણ ક્ષેત્રે મોટો પરપોટો “એન્યુઅલ સ્ટેટ્‌સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ -૨૦૧૭” ફુટી ગયો છે. સમગ્ર દેશમાં ૨૪ રાજ્યોના ૨૮ જિલ્લાઓમાં આ બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એક્ટિવિટી, ક્ષમતા, ગણિત, વિજ્ઞાન અને પાયાનું વાંચન, જાગૃક્તા સહિતની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. સર્વેમાં ચોંકાવનારી બાબત એ છે કે, ૧૪થી ૧૮ વર્ષની ઉંમરે બાળકો શિક્ષણ મેળવવાને બદલે મજૂરી તરફ જઈ રહ્યાં છે. મહેસાણામાં ૧૪થી ૧૮ વર્ષની ઉંમરના ૧૭.૯ ટકા વિદ્યાર્થીઓ અને ૨૨.૪ ટકા વિદ્યાર્થિનીઓ શિક્ષણ માટે દાખલ જ થતાં નથી. જ્યારે ઉચ્ચ આયુમાં ૧૭થી ૧૮ વર્ષના ૩૬.૭ ટકા વિદ્યાર્થીઓ શાળા-કોલેજે દાખલ થતા નથી. જેમાં ૩૪.૬ ટકા વિદ્યાર્થી અને ૩૮.૭ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે, વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનો શાળા કોલેજમાં દાખલ થઈ શિક્ષણ મેળવવાનો અધિકારમાં મોટું અંતર જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના જુદા જુદા ઉત્સવોના નામે કરોડો રૂપિયા પ્રસિદ્ધિ પ્રચાર-પ્રસારમાં વેડફવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. પરિણામે મૂળભૂત શિક્ષણનો હેતુ અને ગુણવત્તા પર મોટા પાયે અસર થઈ છે. શિક્ષકોને સહાયક પ્રથાના નામે ઓછું વેતન ચૂકવીને તેમની ક્ષમતાનો ઉપયોગ થઈ શક્તો નથી. શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય વધારાના કામો સોંપીને શિક્ષણ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.