અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બિડેન સાથેની અંતિમ ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરૂદ્ધ ઘસાતું બોલીને વિવાદ સર્જ્યો
(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૩
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે અંતિમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રૂસ પર પોતાની ભડાશ કાઢી છે ટ્રમ્પે આજે દાવો કર્યો હતો કે, ભારત, ચીન અને રશિયામાં હવાની ગુણવત્તા ઘણી ખરાબ છે. આ દેશો પોતાની હવા તરફ ધ્યાન દેતા નથી જ્યારે અમેરિકા હંમેશા એર ક્વોલિટીનું ધ્યાન રાખે છે. તેમણે ચૂંટણી પૂર્વે પોતાના હરીફ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેને સાથેની ચર્ચા દરમ્યાન કહ્યું હતું કે, ચીનને જુઓ, ત્યાં કેટલી ગંદી હવા છે, રશિયાને જુઓ, ભારતને જુઓ ત્યાં હવા કેટલી ગંદી છે. ત્યાં કેટલી ગંદકી પણ છે. આપણી પાસે સૌથી સ્વચ્છ હવા, સૌથી શુદ્ધ પાણી અને સૌથી સારૂં કાર્બન ઉત્સર્જન છે. કોરોના મહામારીની વચ્ચે અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. શુક્રવારે યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેને મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કહ્યું કે, આપણી પાસે કોરોના વાયરસની એક વેક્સિન આવવાની છે. તેમણે કહ્યું કે, હું હોસ્પિટલમાં હતો અને તે મારી પાસે હતી. પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું કે, જળવાયુ પરિવર્તનને લઈને લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ચીનને જુઓ, રશિયા અને ભારતને પણ જુઓ, ત્યાં વાયુ પ્રદૂષણ કેટલું ગંભીર છે. આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકામાં સૌથી ઓછા કાર્બનનું ઉત્સર્જન છે. ડિબેટમાં ટ્રમ્પ અને બિડેનની વચ્ચે ઉત્તર કોરિયાને લઈ ઉગ્ર ચર્ચા જોવા મળી. ટ્રમ્પે કહ્યું કે, આપણે ઉત્તર કોરિયાની સાથે યુદ્ઘ જેવી સ્થિતિમાં નથી. આપણા તેમની સાથે સારા સંબંધ છે તેની પર બિડેને વળતો હુમલો કર્યો. તેઓએ કહ્યું કે, હિટલરના યુરોપ પર હુમલા કરતાં પહેલાં પણ આપણી સાથે સારા સંબંધ હતા. ડિબેટ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે, અમેરિકાની પાસે ટૂંક સમયમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ હશે. જ્યારે બિડેને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પની પાસે કોવિડ-૧૯ સામે લડવા માટે કોઈ પ્લાન નથી. બિડેને કહ્યું કે, કોવિડ-૧૯થી થયેલા મોત માટે જવાબદાર વ્યક્તિને રાષ્ટ્રપ્રમુખ ન રાખવા જોઈએ. તેઓએ કહ્યું કે, તેઓ એ સુનિશ્ચિત કરશે કે દરેક વ્યક્તિ માસ્ક પહેરે અને રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ન્યૂયોર્ક ભૂતિયા શહેરમાં બદલાઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું કે, દેશને બંધ ન કરતાં તો દેશના લોકો આત્મહત્યા કરવાનું શરૂ કરી દેતા. કોરોના વાયરસથી અમેરિકામાં થયેલા મોત પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ મારી ભૂલ નથી, આ જો બિડેનની પણ ભૂલ નથી, આ ચીનની ભૂલ છે જે અમેરિકામાં આવી.
Recent Comments