(એજન્સી) તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૭૦મો જન્મદિન હતો. અલબત્ત તેમના જન્મદિને વિશ્વભરમાંથી તેમના ઉપર શુભેચ્છા સંદેશનો ધોધ વરસ્યો હતો, પરંતુ ધરઆંગણે બોરેજગાર યુવક યુવતીઓએ વડાપ્રધાનના જન્મદિનની કંઇક નોખી રીતે ઉજવણી કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આજકાલ લગભગ મોટાભાગના યુવક યુવતીઓ ટિ્‌વટર ઉપર પોતાનું એકાઉન્ટ ધરાવતા હોય છે. હાલ જે લોકોની નોકરીઓ જતી રહી છે ને જેઓને હજુ સુધી નોકરીઓ મળી નથી એવા લાખો બેકાર અને બેરોજગાર યુવકોએ તેમના ટિ્‌વટર હેન્ડલ ઉપર રાષ્ટ્રીય બેરોજગાર દિવસની ઉજવણી કરીને વડાપ્રધાન સમક્ષ પોતાને નોકરીઆ આપવાની પરોક્ષ માંગ કરી હતી.
૧૭ સપ્ટેમ્બર-૨૦૨૦ના રોજ વડાપ્રધાન મોદીનો ૭૦મો જન્મદિન હોઇ તેમના પક્ષ ભાજપે ૧૪થી ૨૦ સપ્ટેમ્બર સુધીના સપ્તાહને સેવા સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો જ્યારે બીજી બાજુ ટિ્‌વટર ઉપર નેટિઝન (ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા) લોકોએ વડાપ્રધાનના જન્મદિનને રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવ્યો હતો. આ પ્રકારનો દિવસ ઉજવવા પાછળ એ વાસ્તવિકતા પૂરવાર કરવાનો આશય રહેલો હતો કે વડાપ્રધાન દેશના બેકાર લોકોને નોકરીઓ આપવામાં અને નવી નવી નોકરીઓ અને રોજગાર પેદા કરવામાં સરિયામ નિષ્ફળ ગયા છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય એજન્ડા હતો રોજગાર. ટિ્‌વટર યુઝર્સે ૧૭ સપ્ટેમ્બર, ૧૭ કલાક અને ૧૭ મિનિટ હેસટેગ સાથે લાખોની સંખ્યામાં પોસ્ટ મૂકી હતી અને લોકોને ટિ્‌વટર ઉપર આ ઝૂંબેશમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. કેટલાંક યુઝર્સે ભારપૂર્વક કહ્યું હતું કે દેશના યુવાનો નોકરીઓ ન હોવાથી અને માર્કેટમાં નવી નોકરીઓની કોઇ તક ન હોવાથી ભારે હતાશા અને નિરાશામાં ઉતરી ગયા છે. અંગ્રેજીમાં આ પ્રકારની ઝૂંબેશની સાથે હિંદી ભાષામાં પણ ‘‘રાષ્ટ્રીય બેરોજગાર દિવસ’’ હેસટેગ સાથે યુવકોએ આખું અભિયાન ચલાવ્યું હતું આ આ હેસટેગ સાથે પણ લાખો લોકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. વડાપ્રધાન નવી નોકરીઓ પેદા કરવાના પ્રયાસો કરવાને બદલે યુવકોને વૈકલ્પિક રોગજાગ તરીકે ભજીયા તળવાની સલાહ આપી રહ્યા છે. ભારતમાં બેરોજગારીનો દર છેલ્લા ૪૦ વર્ષમાં સૌથી નીચેના તળિયે પહોંચી ગયો હોવા છતાં કેન્દ્ર સરકાર જવાબદારી સ્વીકારવાના બદલે તેને એક્ટ ઓફ ગોડ ગણાવે છે. યાદ રહે કે કોંગ્રેસ છેલ્લા કેટલાંય મહિનાઓથી બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહી છે.