(એજન્સી) મુંબઇ, તા. ૭
લોકસભામાં બુધવારે પીએમ મોદીના ૯૦ મિનિટના ભાષણમાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષે ૯૦ મિનિટ સતત સૂત્રોચ્ચારો કર્યા હતા જ્યારે રાહુલ ગાંધીએ રાફેલ સોદા અંગે તેમના મૌન સામે સવાલો ઉઠાવ્યા હતા જ્યારે પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીએ પુછ્યું કે, વડાપ્રધાને શા માટે નોકરીઓના સર્જન માટે કોઇ નિવેદન ના આપ્યું. રાહુલ ગાંધીએ પત્રકારો સમક્ષ કહ્યું કે, તેમણે એક કલાકથ વધુ સમય ભાષણ આપ્યું પરંતુ રાફેલ સોદા અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો અથવા ખેડૂતો કે બેરોજગાર યુવાનો માટે કાંઇ કહ્યુ નથી. તે સંપૂર્ણ રાજકીય ભાષણ હતું અને ચૂંટણીલક્ષી હતું. બીજી તરફ સોનિયા ગાંધીએ કહ્યું કે, શા માટે નોકરીઓ માટે વાત ના કરી. મોદીના ભાષણમાં કાંઇ નવું નહોતંુ. લોકોને નોકરીઓમાં રસ છે તેઓ ભવિષ્ય માટેની ચિંતા કરે છે. મોદીના કાશ્મીરથી લઇને ભ્રષ્ટાચાર સુધીના સતત પ્રહારો અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજી ભૂલી ગયા છે કે તેઓ અત્યારે વડાપ્રધાન છે. તેમણે સવાલોના જવાબો આપવા જોઇએ નહીં કે, હંમેશા વિપક્ષ પર આરોપ લગાવવા જોઇએ. આ બાબતો તેમણે જાહેર ભાષણમાં બોલવી જોઇતી હતી. મોદીના ૯૦ મિનિટનું ભાષણ સમાપ્ત થયું ત્યાં સુધી સતત વિપક્ષ સૂત્રોચ્ચાર કરતો રહ્યો અને અંતે લોકસભામાંથી વોકઆઉટ કરતા કહ્યું હતું કે, મોદી રાફેલ જેવા મુદ્દાનો જવાબ આપી રહ્યા નથી અને આંધ્રપ્રદેશની પુનઃરચનાના કાયદાની વાત કરતા નથી. કોંગ્રેસ સતત ફ્રાન્સ સાથેના અત્યંત ગુપ્ત રાફેલ યુદ્ધ વિમાન સોદા અંગે સરકાર સામે આકરા પાણીએ છે અને આરોપ લગાવ્યો છે કે, આ સોદા પાછળ મોદી છે તથા ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, તે રાષ્ટ્રહિત અને સુરક્ષા સાથે સમાધાન કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે, મોદીજી અંગત રીતે પેરિસ ગયા હતા અને પોતે જ સોદો ફેરવ્યો હતો. આ બાબત સમગ્ર ભારત જાણે છે. અને સંરક્ષણ મંત્રી કહે છે કે, મીડિયા, ભારતના શહીદો અને તેમના પરિવારજનોને વિમાનો પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા તેની વિગતો ના આપી શકાય. તેનો અર્થ શું છે ? તેનો અર્થ એ જ છે કે, આની પાછળ કૌભાંડ છે.