(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
ઓલ આસામ સ્ટુડન્ટ્‌સ યૂનિયન (આસુ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની આસામ યાત્રા પહેલા પોતાની માગોના સમર્થનમાં એક મશાલ રેલી યોજી હતી. નાગરિક સુધારા કાયદો (સીએએ) રદ્દ કરવો એ આસુની મુખ્ય માગ છે. આસુના સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્ય અને પ્રમુખ દીપાંક કુમાર પોલીસ અધિકારીઓ સાથે તીખી ચર્ચા કરતાં જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે, મશાલ સોંપશે તો જ તેમને આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે. ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, અમે મશાલ સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો કેમ કે, તે અમારા વિરોધ કાર્યક્રમનો ભાગ છે. અમે અમારો કાર્યક્રમ બદલીશું નહીં. તેમણે રેલીને દબાવવા માટે પોલીસ દળ તહેનાત કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી સર્બનંદ સોનેવાલની પણ આકરી ટીકા કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, સોનોવાલ તે સમયે આસુના પ્રમુખ હતા જ્યારે ભટ્ટાચાર્ય તેના મહાસચિવ હતા.