(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી નોટબંધીની હોનારતને પ્રસિદ્ધિ સાથે માસ્ટરસ્ટ્રોક ગણાવનારા યસ બેંકના સ્થાપક રાણા કપૂરની ધરપકડ કરવા નેટિઝન્સે માગણી કરી છે. યસ બેંકના થાપણદારો પર નાણા ઉપાડવાના અંકુશો સરકાર દ્વારા મુક્યા બાદ નેટિઝન્સે આ માગણી કરી છે. ગુરૂવારે કટોકટીમાં આવેલી યસ બેંક પર આરબીઆઇ દ્વારા કેટલાક નાણાકીય અંકુશો મુકી દીધા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ પોતાના નાણા કાઢવા થાપણદારો બેંક અને એટીએમ તરફ દોટ મુકી ગયા હતા. શુક્રવારે સવારથી જ યસ બેંક અને તેના એટીએમ બહાર લોકોની લાઇનો લાગી ગઇ હતી. મુંબઇમાં જ્યાં બેંકનું મુખ્યમથક છે ત્યાં યસ બેંક બહાર પોલીસે સુરક્ષા વધુ મજબૂત બનાવી દીધી હતી. દરમિયાન નેટિઝન્સે યસ બેંકના સ્થાપક રાણા કપૂરની ધરપકડ કરવાની માગણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧૬માં જ્યારે નોટબંધીનીજાહેરાત કરવામાં આવી ત્યારે કપૂરે તેને વધાવી હતી અને માસ્ટરસ્ટ્રોક ગણાવી હતી. ત્યારબાદ એક વર્ષ પહેલા તેમની ખરાબ લોન માટે તેમણે બેંકના સીઇઓ પદેથી રાજીનામું આપ્યું હતું. મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કરાઇ ત્યારે દેશભરમાં નાસભાગ મચી હતી તેની વચ્ચે કપૂરે કહ્યું હતું કે, હું સરકારના ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધ કરવાના નિર્ણયને સમર્થન આપું છું, આ સાહસિક અને રચનાત્મક નિર્ણય છે જેની દેશના અર્થતંત્ર પર સકારાત્મક અસર પડશે. કાળા નાણાને નાબૂદ કરવાના સરકારના છેલ્લા બે વર્ષના પ્રયાસને વેગ મળશે.