(એજન્સી) તા.૬
ભારતના વડાપ્રધાન મોદી પોતાની મધ્ય-પૂર્વની યાત્રા દરમિયાન પેલેસ્ટીનની મુલાકાતે જશે. તેમ વિદેશમંત્રીએ ઈઝરાયેલી નેતા બેન્જામિન નેતાન્યાહુની યજમાની કર્યાના એક સપ્તાહ બાદ જણાવ્યું હતું. મોદી પેલેસ્ટીનની આ મુલાકાત દરમિયાન પેલેસ્ટીની પ્રમુખ મહેમૂદ અબ્બાસને મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પેલેસ્ટીનને અમારું યોગદાન ત્રણ તરફી છેે. પહેલું રાજકીય રીતે, બીજું ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અને આંતરરાષ્ટ્રીય મંચો પર પણ અમે પેલેસ્ટીનનો સહયોગ કરતાં રહ્યા છીએ. ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં પણ તેના પક્ષમાં અમે મત આપ્યો હતો.
ઈઝરાયેલ અને પેલેસ્ટીનના સંબંધોમાં તણાવની વચ્ચે ભારત અને ઈઝરાયેલના સંબંધો ગાઢ બની રહ્યા છે. વડાપ્રધાન તેમની ૯ ફેબ્રુઆરીથી ૧ર ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ૩ દિવસીય યાત્રામાં સૌપ્રથમ રામલ્લાહની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ ઓમાન અને સંયુક્ત અરબ અમિરાતની પણ મુલાકાત લેશે.
વિદેશ મંત્રાલયના અધિકારી બી.બાલા ભાસ્કરે કહ્યું કે, વડાપ્રધાન મોદી પેલેસ્ટીનની મુલાકાત પ્રથમ વખત લઈ રહ્યા છે, જ્યારે તેઓ પેલેસ્ટીની પ્રમુખ અબ્બાસ સાથે ચોથી વખત મુલાકાત કરશે.
મુલાકાત દરમિયાન આ નેતાઓ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સ્વાસ્થ્ય અને પ્રવાસન અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત મોદી સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાગ લેશે અને સાથે પ્રીતિ ભોજન પણ કરશે.
પેલેસ્ટીન અંગેના ભારતના નિર્ણય બદલ ૧પ વર્ષમાં પ્રથમવાર ભારતની મુલાકાતે આવેલા ઈઝરાયેલી નેતા નેતાન્યાહુએ નિરાશા વ્યક્ત કરી હતી. પરંતુ ગત મહિને આ તણાવને ભૂલી ઈઝરાયેલ અને ભારતના બંને નેતાઓએ એકબીજા સાથે મુલાકાત કરી હતી અને ગત વર્ષે જુલાઈમાં (ર૦૧૭) ઈઝરાયેલની મુલાકાત લેનારાઓમાં મોદી ઈતિહાસમાં પ્રથમ ભારતીય નેતા બન્યા હતા.