(એજન્સી) કોલકાતા/નવી દિલ્હી, તા. ૮
મોદી સરકારે ૧લી જૂનથી કોરોના વાયરસને કારણે લાગુ કરેલા લોકડાઉનમાં અનેક છૂટછાટ સાથે અનલોક-૧ બહાર પાડ્યું છે પરંતુ દેશમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કેસોને જોતાં સરકારના આ નિર્ણય વિરૂદ્ધ છ રાજ્યોએ ૩૦મી જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. આ તમામ રાજ્યો એવા છે જ્યાં ભાજપ કે તેના ગઠબંધનની સરકાર નથી જેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, મિઝોરમ અને મણિપુરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સોમવારથી દેશભરમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર ધાર્મિક સ્થળો, મોલ્સ, હોટલો અને રેસ્ટોરન્ટો પણ ખોલવામાં આવી હતી જોકે, રાજ્યોને સત્તા આપી દેવાયા બાદ કેટલાક રાજ્યોએ વધુ સતર્કતા દાખવવાની દલીલ સાથે લોકડાઉનમાં વધારો કર્યો છે.
અનલોક-૧ હેઠળ દેશના મોટાભાગના રાજ્યોમાં આર્થિક ગતિવિધિઓ ફરી શરૂ થઇ ગઇ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ૩૦મી જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૩૦મી જૂન સુધી લોકડાઉન જારી રહેશે. મમતાએ કહ્યું કે, રાજ્યમાં કોવિડ-૧૯ના દર્દીઓના સગા હવે તેમને અંતિમ વિધિમાં જોઇ શકશે. કોરોના મૃતકનો મૃતદેહ યોગ્ય જગ્યાએ રાખવામાં આવશે જેથી તેમના કુટુંબના સભ્યો તેમને અંતિમ સન્માન આપી શકે. જો કોરોનાથી કોઇ વ્યક્તિનું મોત થશે તો મોતના એક કલાકમાં સગાને જાણ કરવાની રહેશે. મૃતકને પારદર્શક કવરમાં રખાશે. અલબત્ત અંતિમવિધિ મ્યુનિસિપલ તંત્ર દ્વારા જ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, હવેથી મંદિરો અને લગ્ન પ્રસંગમાં ૨૫ વ્યક્તિઓને મંજૂરી અપાશે. અગાઉ આ મર્યાદા ૧૦ વ્યક્તિની હતી. લગભગ બે માસ બાદ રાજ્યમાં શોપિંગ મોલ્સ, રેસ્ટોરન્ટો અને અન્ય સેવાઓ રાજ્ય સરકારની વધુ રાહતો સાથે ફરી શરૂ થઇ હતી જે અનલોક-૧નો ભાગ છે. મમતા સરકારે રાજ્યમાં પહેલી જૂનથી રાહતો આપી હતી જેથી ધાર્મિક સ્થાનો, બાંધકામ ક્ષેત્ર, ટી ક્ષેત્ર, શણ ક્ષેત્ર ફરી શરૂ થયા હતા. અગાઉ રાજ્યમાં ૧૫ જૂન સુધી લોકડાઉન લંબાવાયું હતું. રાજ્યમાં સરકારી બસો સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ થઇ હતી જ્યારે ખાનગી બસોની સંખ્યા મર્યાદિત રખાઇ હતી. મિઝોરમની સરકારે પણ મુખ્યમંત્રી જોરમથંગાની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ પ્રકારના આદેશ આપ્યા છે. રાજ્ય સરકારે મિઝોરમમાં સ્થિતને જોતાં ૯ જૂનથી બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે.
ગયા અઠવાડિયે મણિપુર સરકારે પણ ૩૦ જૂન સુધી લોકડાઉનના અંકુશો લંબાવ્યા હતા. મુખ્યમંત્રી એન બિરેનસિંહે આ અંગે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા ફાટી નીકળેલા રોગચાળામાંથી લોકોના જીવ બચાવવા મદદ કરવા માટે રક્ષણાત્મક પગલાંરૂપે લોકડાઉનમાં વધારો કરાયો છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પંજાબે પણ અંકુશો વધારવા અંગે તરફેણ કરી હતી અને કેટલીક છૂટછાટ સાથે ૩૦મી જૂન સુધી લોકડાઉન લંબાવ્યું હતું. મહારાષ્ટ્રે લોકડાઉન લંબાવવા અંગે દિશાનિર્દેશ જારી કર્યા હતા જેમાં મિશન ફરી શરૂ કરવા હેઠળના ત્રણ તબક્કા લાગુ કરવા જણાવ્યું હતું. તમિલનાડુ સરકારે પણ ૩૦મી જૂન સુધી કેટલીક છૂટછાટ સાથે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇ રાહત મળી નથી. રાજ્યમાં ધર્મસ્થાનોમાં પ્રવેશ પર પ્રતિબંધ અને આંતરરાજ્ય પરિવહનને કોઇ મંજૂરી અપાઇ નથી. દેશભરમાં કોરોના વાયરસના કેસો ભયાનક રીતે વધી રહ્યા છે અને સોમવારે આ આંકડો ૨.૫૬ લાખને પાર કરી ગયો છે. ભારત હવે વિશ્વના કોરોના સંક્રમિત દેશોમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. જેમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને બ્રિટન બાદ તેનો નંબર આવે છે.

રાજ્યોએ અનલોક શરૂ કરતાં મિઝોરમમાં
બે અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન કરાયું

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે આજથી અનલોક-૧ અંતર્ગત વધુ છૂટછાટ અપાઈ છે. અનેક રાજ્યોએ ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ અને મોલ્સ સાવચેતીપૂર્વક ખોલ્યા છે. દરમિયાન મિઝોરમે વધી રહેલા કોરોનાના કેસોને જોઈ સંપૂર્ણ લોકડાઉનને બે અઠવાડિયા સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. મિઝોરમ સરકાર તરફથી જણાવાયું હતું કે, મુખ્યમંત્રી જોરમથાંગાની અધ્યક્ષતામાં થયેલી બેઠક દરમિયાન રાજ્યની હાલની સ્થિતિને જોતાં સંપૂર્ણ લોકડાઉનને ૯ જૂનથી બે અઠવાડિયા વધુ લંબાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે તેઓ વહેલી તકે દિશા-નિર્દેશો જારી કરશે. મિઝોરમમાં હાલ કોરોના સંક્રમિતોનો આંકડો ૪૨ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો એક દર્દી સાજો થયો છે અને ૪૧ કેસ એક્ટિવ છે. રાજ્યમાં અત્યાર સુધી કોઈ દર્દીનું મોત થયું નથી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન આશરે બે મહિના સુધી બંધ રહ્યા બાદ આજે દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો, હોટેલ અને રેસ્ટોરાં ફરી ખોલવામાં આવ્યા છે. આમાં નવા નિયમો અંતર્ગત પ્રવેશ માટે ટોકન પ્રલાણી જેવી વ્યવસ્થા લાગુ કરાઈ છે. બીજી તરફ મંદિરોમાં પ્રસાદનું વિતરણ નહીં થાય. ભારત લોકડાઉનમાંથી બહાર આવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે માનક સંચાલન પ્રક્રિયાઓ સાથે તમામ બિન કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પ્રતિબંધિત ગતિવિધિઓ શરૂ કરવા માટે ત્રણ તબક્કાની યોજના અંતર્ગત પ્રથમ તબક્કો અનલોક-૧ના રૂપમાં શરૂ થયો છે. આ એસઓપી ત્રણ જૂન સુધી અમલી રહેશે.