૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્યકક્ષાના સહિત કુલ ૪૩ મંત્રીઓએ શપથગ્રહણ કર્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું બુધવારે વિસ્તરણ કરાયું હતું જેમાં અનેક નવા ચહેરાઓનો સમાવેશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ કાળમાં ખરાબ સંચાલનને કારણે ભારે ટીકાઓનો ભોગ બનેલા વહીવટીતંત્રમાં ફેેરફાર કરવાની માગણીઓ વચ્ચે મોદી સરકારે આ ગંજીફો ચીપ્યો છે. મંત્રીમંડળમાં કુલ ૪૩ નેતાઓને શપથ અપાયા હતા, જેમાં ૧૫ નેતાઓને કેબિનેટ મંત્રી તથા ૨૮ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. અનેક નવા ચહેરાઓને મંત્રી પરિષદમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં રામનાથ કોવિંદ પાસેથી સૌથી પહેલાં આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, નારાયણ રાણે, ડૉ.વિરેન્દ્રકુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, સાંસદ વિરેન્દ્રકુમાર, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પશુપતિકુમાર પારસ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદલાજે, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ અને એસપીએસ બઘેલ સામેલ છે.
સંપૂર્ણ યાદી :- ૧. નારાયણ રાણે, ૨. સર્બાનંદ સોનોવાલ, ૩. ડૉ.વીરેન્દ્રકુમાર, ૪. જ્યોતિરાદિત્ય સિંધિયા, ૫. રામચંદ્ર પ્રસાદસિંહ, ૬. અશ્વિની વૈશ્ણવ, ૭. પશુપતિ પારસ, ૮. કિરણ રિજિજુ, ૯. રાજકુમારસિંહ, ૧૦. હરદીપસિંહ પુરી, ૧૧. મનસુખ માંડવિયા, ૧૨. ભૂપેન્દ્રયાદવ, ૧૩. પુરષોત્તમ રૂપાલા, ૧૪. કિશન રેડ્ડી, ૧૫. અનુરાગસિંહ ઠાકુર, ૧૬. પંકજ ચૌધરી, ૧૭. અનુપ્રિયા પટેલ, ૧૮. સત્યપાલસિંહ બઘેલ, ૧૯. રાજીવ ચંદ્રશેખર, ૨૦. શોભા કરાંજલે, ૨૧. ભાનુપ્રતાપસિંહ વર્મા, ૨૨. દર્શના વિક્રમ જરદોશ, ૨૩. મીનાક્ષીલેખી, ૨૪. અન્નપૂર્ણા દેવી, ૨૫. એ નારાયણસ્વામી, ૨૬. કૌશલ કિશોર, ૨૭. અજય ભટ્ટ, ૨૮. બી.એલ. વર્મા, ૨૯. અજયકુમાર, ૩૦. ચૌહાણ દેવુસિંહ, ૩૧. ભગવંત ખુબા, ૩૨. કપિલ મોરેશ્વર પાટિલ, ૩૩. પ્રતિમા ભૌમિક, ૩૪. ડૉ. સુભાષ સરકાર, ૩૫. ડૉ. ભગવત ક્રિશ્નરાવ કરાડ, ૩૬. ડૉ. રાજકુમાર રંજનસિંહ, ૩૭. ડૉ. ભારતી પ્રવીણ પરમાર, ૩૮. બિશ્વેવર તુુડુ, ૩૯. શાંતનુ ઠાકુર, ૪૦. ડૉ. મુંજાપરા મહેન્દ્ર, ૪૧. જોન બારલા, ૪૨. ડૉ. એલ. મુરૂગન, ૪૩. નિતિશ પ્રમાણિક.


કેબિનેટ વિસ્તરણ પહેલાં જાવેડકર, રવિશંકર સહિત ૧૨ મંત્રીઓના ધડાધડ રાજીનામા

કેન્દ્રીય કેબિનેટમાં મોટો બદલાવ થયો છે. મંત્રી મંડળમાં નવા નામ જોડાયા પહેલા કેટલાક જૂના નામોને વિદાય આપવામાં આવી હતી. કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને હટાવવામાં આવ્યા છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરના પણ રાજીનામા લઇ લેવામાં આવ્યા છે. રમેશ પોખરિયાલ સિવાય સંતોષ ગંગવાર, દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડાને કેબિનેટમાંથી હટાવાયા છે. આ પહેલા થાવરચંદ ગહેલોતને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, એવામાં તે પણ કેબિનેટમાંથી બહાર થઇ ગયા છે. રમેશ પોખરિયાલ નિશંકનું ખરાબ સ્વાસ્થ્યને કારણે કેન્દ્રીય કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા છે. કોરોના બાદથી તેમનું સ્વાસ્થ્ય સતત બગડતુ રહ્યુ છે.