(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.ર૪
કેરાલા વિધાનસભાના બજેટ સૂત્રના પ્રારંભે રાજ્યપાલ સદાશિવમે ગૃહમાં આપેલા પ્રારંભિક ભાષણમાં સરકાર દ્વારા અપાયેલ લેખિત ભાષણમાંથી મોદી સરકારની ટીકા કરતી બે-ત્રણ લાઈનો ઉડાવી દેતાં વિપક્ષોએ ડાબેરી સરકારને ભીંસમાં લીધી હતી. રાજ્યપાલે સરકાર દ્વારા ભાષણની નિયત કોપીમાંથી બે-ત્રણ વાક્યો છોડી દેતાં વિપક્ષના નેતા રમેશ ચેની થાલાએ સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, રાજ્યપાલે ભાષણમાંથી બે-ત્રણ વાક્યો છોડી દીધા છતાં સરકાર ચૂપ રહી અને એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં.
તેમણે કહ્યું કે સ્પીકર પી શ્રીરામકિશ્ચન પાસેથી રાજ્યપાલના ભાષણની કોપી મેળવવા પત્ર લવાયો છે. જે મળ્યા બાદ ગૃહમાં રાજ્યપાલના પ્રવચનની ચર્ચામાં આ મુદ્દો ઉઠાવાશે.
ગૃહના વિપક્ષના નાયબ નેતા અને મુસ્લિમ લીગના આગેવાન એમ.કે.મુનીરે કહ્યું કે, તેઓ જાણવા માંગે છે કે, સરકાર દ્વારા રાજ્યપાલના ભાષણના કેટલાક અંશો વાંચવા સામે કોઈ વાંધો રજૂ કરાયો હતો કે નહીં. તેથી ડાબેરી સરકારે પણ રાજ્યપાલને પત્ર લખી આ મુદ્દે સ્પષ્ટતા કરવી જોઈએ. નિયમ મુજબ રાજ્યપાલ તેમના પ્રવચનમાં કોઈ શબ્દો ઉમેરી કે કાઢી ન શકે. આ અંગે અમે રાહ જોઈ રહ્યા છીએ પછી આગળ શું પગલાં લેવા તે નક્કી કરીશું. આ મુદ્દે સરકારે ઉકેલ લાવવાનો છે.