કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી ઇંધણોની કિંમતો અને કોરોના વાયરસ રોગચાળાના વધતા પ્રકોપ મુદ્દે મોદી સરકાર પર વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે, મોદી સરકારે કોરોના વાયરસ રોગચાળો અને પેટ્રોલ-ડીઝલની કિંમતો બંનેને અનલોક કરી દીધી છે. તેમણે હિંદીમાં લખેલા ટિ્‌વટમાં જણાવ્યું કે, મોદી સરકારે કોરોના રોગચાળા અને પેટ્રોલ-ડીઝલની કિંમતોને હવે અનલોક કરી દીધી છે. રાહુલ ગાંધીએ આ સાથે જ એક ગ્રાફ પણ શેર કર્યો હતો અને લખ્યું કે, ‘‘કોરોના વાયરસનો જ માત્ર વધતો વળાંક નથી’’. આ ગ્રાફમાં લોકડાઉન બાદ દરરોજ કોરોના વાયરસના વધતા કેસો તથા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો દર્શાવાયો હતો. લોકડાઉનના અંકુશો હળવા કરાયા બાદ સતત ૧૮મા દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા મુદ્દે કોંગ્રેસે સતત ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારના ભાવવધારાનો વિરોધ કર્યો છે.