(એજન્સી) નવી દિલ્હી , તા.૧
એક અહેવાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અંગે એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવાયું હતું કે, ગત નાણાંકીય વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે અખબારો, ઈલેકટ્રોનિક મીડિયા, હોર્ડિંગ્સ અને અન્ય માધ્યમો દ્વારા પોતાનો પ્રચાર કરવા કરદાતાઓના રૂા. ૭૧૩.૨૦ કરોડનો ધૂમાડો કર્યો હતો. માહિતીના અધિકાર કાયદા હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ઉક્ત વાતનો ખુલાસો થતાં અનેક ચર્ચાઓએ જન્મ લીધો હતો. એક સામાજીક કાર્યકર જતીન દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીનો જવાબ આપતાં ઉક્ત હકીકત જણાવાઈ હતી. માહિતી અને બ્રોડકાસ્ટિંગ મંત્રાલય હેઠળ આવતાં બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કોમ્યુનિકેશન દ્વારા આ અંગેના સવાલનો જવાબ આપતાં આ ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નના જવાબમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એક હકીકત એવી જાણવા મળી હતી કે, મોદી સરકારે જાહેરાતો પાછળ દરરોજના સરેરાશ રૂા. ૧.૯૫ કરોડ ખર્ચ કર્યા હતા. આ આંકડો વર્ષ ૨૦૧૯- ૨૦૨૦ના નાણાંકીય વર્ષનો છે.
આ અંગેનો વિગતવાર કુલ આંકડો આપતાં બ્યુરોએ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં મોદી સરકારે પોતાની જાહેરાત કરવા પ્રિન્ટ મીડિયામાં રૂા. ૨૯૫.૦૫ કરોડ, ઈલેકટ્રોનિક મીડિયામાં રૂા. ૩૧૭.૦૫ કરોડ, જ્યારે અન્ય માધ્યમો દ્વારા જાહેરાત પાછળ રૂા. ૧૦૧.૧૦ કરોડ ખર્ચ કર્યા હતા. જો કે, બ્યુરો એ વાતનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યું હતું કે, મોદી સરકારે પોતાનો પ્રચાર કરવા વિદેશમાં કેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા. જુન ૨૦૧૯માં મુંબઈ સ્થિત અનિલ ગલગલી દ્વારા દાખલ અન્ય એક આરટીઆઈના જવાબમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રિન્ટ, ઈલેકટ્રોનિક, આઉટડોર મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા મોદી સરકારે પોતાના પ્રચાર પાછળ કરદાતાઓના રૂા. ૩,૭૬૭.૨૬૫૧ કરોડ ખર્ચ કર્યા હતા. ગલગલી દ્વારા મે ૨૦૧૮માં માહિતીના અધિકાર હેઠળ એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૦૧૪થી સત્તામાં આવ્યા બાદથી મોદી સરકારે પોતાની પબ્લિસીટી અને જાહેરાતો પાછળ રૂા. ૪,૩૪૩.૨૬ કરોડ ખર્ચ કર્યા હતા.
મોદી સરકારે જાહેરાતો પાછળ દરરોજના સરેરાશ રૂા. ૧.૯પ કરોડનો ખર્ચ કર્યો

Recent Comments