(એજન્સી) તા.૧૦
જે દિવસે અર્નબ ગૌસ્વામીની ધરપકડ કરવામાં આવી એ દિવસે નરેન્દ્ર મોદીની કેબિનેટના પ્રત્યેક વરિષ્ઠ પ્રધાને ખુલ્લેઆમ અર્નબ ગૌસ્વામીને સમર્થન જારી કર્યુ હતું. પ્રધાનકીય સમર્થકોની યાદી એટલી લાંબી છે કે અત્રે તેનું સંક્ષિપ્ત વર્ઝન છે. અર્નબની તરફેણમાં જેમણે ટ્‌વીટ કર્યુ હતું તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન, નાણા પ્રધાન, વિદેશ પ્રધાન, કાયદા પ્રધાન, માહિતી અને પ્રસારણ પ્રધાનનો સમાવેશ થાય છે.
તેમણે આ સેલિબ્રિટી ટીવી પત્રકાર સાથે જે કંઇ થયું તે અખબારી સ્વાતંત્ર પરના આક્રમણ સમાન હોવાનું જણાવ્યું. આ એક પ્રકારનો દંભ હતો જે જોઇને મને આશ્ચર્ય થયું. તેઓ કોઇ પણ કરતાં વધુ સારી રીતે જાણે છે કે ઇંદિરા ગાંધી બાદ કોઇ પણ વડાપ્રધાન કરતાં મોદીએ અખબારી સ્વાતંત્રને ડામવાનું સૌથી વધુ કામ કર્યુ છે. જે વિદેશી સંવાદદાતાઓએ મોદીની ટીકા કરતાં લેખો લખ્યાં છે તેમની વિઝા પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં. આમ અર્નબની ધરપકડ એ અખબારી સ્વાતંત્ર પર આક્રમણ તો નથી. તેને બહુ બહુ તો એવું કહી શકાય કે ભાજપના ખુલ્લેઆમ પ્રવક્તા એવા એક પત્રકાર પર મહારાષ્ટ્ર સરકારનું આ આક્રમણ છે અને તેમને પત્રકાર ગણાવવા મુશ્કેલ છે. છેલ્લા એક વર્ષમાં એક પણ એવો મુદ્દો ન હતો કે જેમાં અર્નબે સ્વયંને મોદી સરકારના સભ્ય તરીકે રજૂ કર્યા ન હોય. જ્યારે સીએએ સામે વિરોધ થયો ત્યારે અર્નબે નવા કાયદાને સમર્થન આપતી ડિબેટ યોજી હતી અને દેખાવકારોને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યાં હતાં. લોકડાઉનની બાબતમાં પણ આવું જ થયું હતું.
પાલઘરમાં લોકડાઉન દરમિયાન બે સાધુઓની હત્યા થઇ ત્યારે રીપબ્લિક ટીવીએ તેને મુસ્લિમો દ્વારા હેટક્રાઇમ હોય એવું રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. રિયા ચક્રવર્તી, સુશાંતસિંહ રાજપૂતના કેસમાં પણ આવું જ બન્યું હતુું. એવા ઘણા ટીવી એન્કર્સ છે જેમને મોદી સરકારે સાધી લીધાં હોવાનું કહેવાય છે, પરંતુ અર્નબ તેમના ખાસ માનિતા છે કારણ કે તેમણે સ્વેચ્છાએ પોતાની રીપબ્લિક ચેનલનો મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા દીધો છે.
– તવલીન સિંહ