(એજન્સી) તા.૧
અમે ભારતીય નાગરિકો અને કાર્યકરોના એક સમૂહ તરીકે તાજેતરમાં અયોગ્ય કારણોસર આઈ.પી.સી.ની ધારા ૧ર૪ અને અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એકટ (યુએપીએ) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ધરપકડો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ. જ્યારે વિશ્વભરની સરકારો કોવિડ-૧૯ સામે લડી રહી છે ત્યારે મોદી સરકાર લોકડાઉનના કારણે ઊભી થયેલી તકનો ઉપયોગ કરી અસંમત લોકો સામે કાર્યવાહી કરી રહી છે અને તેમને તેમના મૂળભૂત અધિકારીઓથી દૂર કરી રહી છે. કાલ્પનિક કેસો હેઠળ લોકોની ધરપકડ કરી તેમને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. આ બધાની શરૂઆત ૧૭ ડિસેમ્બર ર૦૧૯ના રોજ થઈ હતી. જ્યારે આસામ સ્થિત ભ્રષ્ટાચાર વિરોધી અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈની યુએપીએ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ગોગોઈ સુધારેલા યુએપીએ હેઠળ કાર્યવાહીનો સામનો કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ત્યારબાદ ૧૪ એપ્રિલ ર૦ર૦ના રોજ નેશનલ ઈન્વેટિગેશન એજન્સીએ આનંદ તેલતુમ્બડે અને ગૌતમ નવલખાની યુએપીએ હેઠળ ધરપકડ કરી હતી. પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (પીયુડીઆર) અને બીજા અનેક સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર ભીમા-કોરેગાંવ કેસમાં ખોટી રીતે ધરપકડ કરાયેલા ૧૧ કાર્યકરો વિરૂદ્ધ બનાવટી કેસો દાખલ કરવાનું કથિત ષડયંત્ર કરી રહી છે. ર૦ એપ્રિલ ર૦ર૦ના રોજ જમ્મુ-કાશ્મીર પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી ચૂકેલી ર૬ વર્ષીય ફોટો જર્નાલિસ્ટ મસરત ઝહરા વિરૂદ્ધ યુએપીએ અને આઈ.પી.સી.ની ધારા પ૦પ હેઠળ કેસ દાખલ કર્યો હતો. નોંધનીય વાત તો એ છે કે પોલીસે તેને પત્રકાર તરીકે નહીં પરંતુ ફેસબુક યુઝર તરીકે ઓળખાવી હતી. આ જ દિવસે દિલ્હી પોલીસે જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ મીરાન હૈદર અને સફૂરા ઝરગારની વિરૂદ્ધ ઉત્તરપૂર્વ દિલ્હી રમખાણો સંદર્ભે યુએપીએ હેઠળ કેસ દાખલ કર્યો હતો. તેમણે જવાહરલાલ નહેરૂ યુનિ.ના વિદ્યાર્થી ઉમર ખાલિદ વિરૂદ્ધ પણ કેસ દાખલ કર્યો હતો. ર૬ એપ્રિલ ર૦ર૦ના રોજ જામિયા મિલ્લિયા ઈસ્લામિયા એલ્મની એસોસિએશનના અધ્યક્ષ અને જામિયા કો-ઓર્ડિનેશન કમિટીના સભ્ય શીફા ઉર રહમાન વિરૂદ્ધ પણ ઉત્તર-પૂર્વના દિલ્હીના રમખાણો સંદર્ભે યુએપીએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એઆઈએસએ દિલ્હીના પ્રમુખ કંવલપ્રિત કૌર વિરૂદ્ધ પણ યુએપીએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ બધા કેસોને એકસાથે જોતાં અમે દૃઢ વિશ્વાસ ધરાવીએ છીએ કે કોવિડ-૧૯ના લોકડાઉન દરમ્યાન આ કઠોર કાયદાને વ્યૂહાત્મક રીતે અસંમત લોકોને ચૂપ કરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. ર૦૧૯માં રાજ્યસભામાં આ કાયદો પસાર કરાવતી વખતે ગૃહમંત્રી અમિત શાહે ખાતરી આપી હતી કે તેનો ઉપયોગ ફકત આતંકવાદીઓ વિરૂદ્ધ થશે પરંતુ હવે નાગરિકોને ધમકાવવા માટે અને સરકારની વિવિધ નીતિઓના વિરોધીઓને ચૂપ કરાવવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. અમે કેન્દ્ર સરકારના આ અનૈતિક પ્રયત્નોની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે એ લોકોની પડખે ઊભા છીએ જેમને આ કઠોર કાયદા વડે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેમને તાત્કાલિક મુક્ત કરવાની માગણી કરીએ છીએ. અમે બધા નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ કાયદા વિરૂદ્ધ અને રાજ્ય દ્વારા તેના ચોક્કસ દુરૂપયોગ વિરૂદ્ધ એકજૂટ થાય. કોવિડ-૧૯ લોકડાઉન દરમ્યાન આ કાયદાનો ઉપયોગ કરી ફકત સરકારની ટીકા કરનારા કર્મશીલો, વિદ્યાર્થીઓ અને સંગઠનોને ચૂપ કરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે.
હસ્તાક્ષર :
એ.સી.મિશેલ- દિલ્હી લઘુમતી મંચના પૂર્વ સભ્ય, અબુઝર ચૌધરી-સામાજિક કાર્યકર અનહદ, આનંદ મઝગાંવકર સામાજિક કાર્યકર ગુજરાત, ભાવેશ બારિયા વિદ્યાર્થી નેતા ગુજરાત, દેવ દેસાઈ સામાજિક કાર્યકર ગુજરાત, ધરમ હદવાણી વિદ્યાર્થી નેતા ગુજરાત, સેડ્રીક પ્રકાશ, માનવાધિકાર કર્મશીલ, ગૌહર રઝા, કવિ વૈજ્ઞાનિક, રિટાયર્ડ જસ્ટિસ બી.જી. કોલસે પાટિલ, મલ્લિકા સારાભાઈ, નૃત્યાંગના, નુરજહાં દીવાન, અનહદ અને અન્ય કર્મશીલો.