(એજન્સી)                     ચેન્નાઈ, તા.૧ર
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને શુક્રવારે એક ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેના અધોગતિ તરફ જતા સિદ્ધાંતોને ફેલાવવા માટે શિક્ષણનો ઉપયોગ કરી રહી છે. આ સાથે જ તેમણે શિક્ષણ સંયુક્ત યાદીમાં હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સ્ટાલિને કહ્યું હતું કે, આને બંધ કરવા માટેનો એકમાત્ર ઉપાય એ છે કે, શિક્ષણને ફક્ત રાજ્યની યાદીમાં પરત લાવવામાં આવે. તમિલનાડુમાં આવેલી યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓને સંબોધિત કરતા સ્ટાલિને કહ્યું હતું કે, તમિલનાડુના લોકો ઈચ્છે છે કે, રાજ્યની યુનિવર્સિટીઓમાં અહીંની જ શિક્ષણનીતિ મુજબ કામગીરી થાય. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, તમિલનાડુની યુનિવર્સિટીઓમાં તાર્કિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ચકાસવામાં આવેલા તથ્યોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તમિલનાડુના લોકોને દ્રવિડ વંશજ ગણાવતા સ્ટાલિને કહ્યું હતું કે, રાજ્યના લોકોના મુખ્ય ઉદ્દેશોમાં ગુલામી નાબૂદી અને મહિલા સશક્તિકરણ સામેલ છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ આ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ માટે રૂા.પ૩૬૯ કરોડનું ભંડોળ ફાળવ્યું છે.